પ્રમુખ
મોઈઝ્ઝુ બંને હાથમાં લાડુ રાખવા માગે છે
નવી
દિલ્હી, તા. 9 : માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝ્ઝુએ તાજેતરમાં જ ભારત સમર્થિત
‘િથલામાલે બ્રિજ’ને ભારત અને માલદીવ્સ વચ્ચેના ઐતિહાસિક સંબંધોનું પ્રતીક ગણાવી વડાપ્રધાન
નરેન્દ્ર મોદી અને ભારત સરકારના યોગદાનના ભરપેટ વખાણ કર્યા હતા. જો કે, આ નિવેદનના
ગણતરીના દિવસોમાં જ માલદીવ્સના અત્યંત વ્યૂહાત્મક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ચીનની
મોટી એન્ટ્રી ફરી ચર્ચામાં આવી છે. માલદીવ્સ પોર્ટ્સ લિમિટેડ દ્વારા ‘િથલાફુશી પોર્ટ
ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ (લોકલ હાર્બર રિલીફ પ્રોજેક્ટ)ના પ્રથમ તબક્કાનો કોન્ટ્રાક્ટ
ચીનની સરકારી કંપની ‘ચાઇના હાર્બર એન્જિનીયારિંગ કંપની’ને સોંપવામાં આવ્યો છે. ખાસ
વાત એ છે કે આ જ થિલાફુશી વિસ્તારને ભારત પોતાના ‘ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટ’
હેઠળ બ્રિજ નેટવર્કથી જોડી રહ્યું છે.
થિલાફુશી
એ માલદીવ્સની રાજધાની માલેથી પશ્ચિમમાં આવેલો એક આર્ટિફિશિયલ ટાપુ છે, જેનું નિર્માણ
વર્ષ 1991માં મ્યુનિસિપલ કચરાના નિકાલ માટે કરવામાં આવ્યું હતું. માલેના હાલના બંદરો
પર માલસામાનના વધતા ભારણને ઘટાડવા માટે હવે અહીં મોટો કોમર્શિયલ પોર્ટ બનાવવાનું આયોજન
છે.
આ સમગ્ર
પ્રોજેક્ટ માત્ર વ્યાપારી નથી, પરંતુ ભૂ- રાજકીય દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે, કારણ
કે થિલાફુશી ભારત સરકારના સહયોગથી બની રહેલા મહત્ત્વાકાંક્ષી ‘ગ્રેટર માલે કનેક્ટિવિટી
પ્રોજેક્ટ’નો અભિન્ન ભાગ છે.
ભારતે
આપેલી 400 મિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટ અને
100 મિલિયન ડોલરની ગ્રાન્ટ (કુલ 500 મિલિયન
ડોલર)ના સહયોગથી 6.7 કિલોમીટર લાંબો સમુદ્રી બ્રિજ પ્રોજેક્ટ બની રહ્યો છે, જે માલેને
વિલિમાલે, ગુલ્હિફાલ્હુ અને થિલાફુશી સાથે જોડે છે.
આ પ્રોજેક્ટનું
નિર્માણ ભારતીય કંપની એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી રહી છે. આમ, જે થિલાફુશી સુધી પહોંચવા
માટે ભારતીય કંપની સમુદ્ર પર વિશાળ બ્રિજ બનાવી રહી છે, ત્યાંના મુખ્ય બંદરનું બાંધકામ
ચીનની કંપની કરશે.