• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

બોટાદમાં ખનીજ માફિયાઓને અધિકારીઓની હિલચાલની માહિતી પહોંચાડવાનું નેટવર્ક ઝડપાયું

વોટ્સએપ ગ્રુપમાં અધિકારીઓનાં લોકેશન અને વાહનોના ફોટા શેર કરાતા હતા, માસિક રૂ. 1,000 થી 1,500 વસૂલાતા હોવાનો દાવો

બોટાદ, તા.14 : બોટાદ જિલ્લામાં ગેરકાયદે ખનન, ખનિજના વહન અને સંગ્રહ સામે કાર્યવાહી કરવા નીકળતા સરકારી અધિકારીઓની હિલચાલ પર નજર રાખી તેમની માહિતી વોટ્સએપ ગ્રુપ મારફતે શેર કરવામાં આવતી હોવાની ફરિયાદ બોટાદ ટાઉન પોલીસ મથકે નોંધાઈ છે. મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીએ આરોપી સંજય ભરતભાઈ રોજાસરા સહિત છ વ્યક્તિઓનાં નામનો ઉલ્લેખ કરી અધિકારીઓની રેકી, લોકેશન અને વાહનોના ફોટોગ્રાફ શેર કરી ખનિજ ચોરી સાથે સંકળાયેલા લોકોને મદદ કરાતી હોવાની ફરિયાદ નોંધાવી હતી. 

વધુ મળતી વિગતો અનુસાર ભરતકુમાર એમ. જાલોંધરા, મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી, જિલ્લા સેવા સદન, બોટાદે ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. 13 અૉક્ટોબર, 2026ના રોજ બપોરે આશરે 12:40 વાગ્યે તાલુકા સેવા સદનના પાર્કિંગમાં સરકારી વાહનોની રેકી થતી હોવાની શંકા આધારે સંજય ભરતભાઈ રોજાસરા અને વિજય કરમણભાઈ શીયાળિયા (ભરવાડ) અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન વિજય શીયાળિયા મોટરસાઇકલ લઈને નીકળી ગયો હતો. ત્યારબાદ સંજય રોજાસરાના મોબાઇલની તપાસમાં વિવિધ વોટ્સએપ ગ્રુપમાં અધિકારીઓની હિલચાલ અંગેની માહિતી શેર થયાની વિગતો મળી આવી હતી. જેમાં વિવિધ વોટ્સએપ ગ્રુપો બહાર આવ્યા હતા. જેમાં આઈ મોગલ, ઘટે તો જિંદગી ઘટે, અને ગરવી ગુજરાત, નામના વોટસએપ ગ્રુપમાં અધિકારીઓના લોકેશન અને સરકારી વાહનોના ફોટોગ્રાફ નંબર અને ચાકિંગ અંગેની હિલચાલની માહિતી શેર કરતાં આરોપી સંજય ભરતભાઈ રોજાસરા, વિજય કરમણભાઈ શીયાળીયા (ભરવાડ), પ્રતાપભાઈ વણઝારા, અમન મનુભાઈ ભુરાણી, અરમાન મહેબુબભાઈ ગોદાણી (મીર) અને સમીર નાસીરભાઈ મીરનો સમાવેશ થાય છે. ગ્રૂપમાં જોડાયેલા લોકો પાસેથી દર મહિને રૂ. 1,000થી 1,500 સુધીની રકમ વસૂલાતી હોવાનો તેમજ ડિજીટલ પેમેન્ટ મારફતે નાણાંની લેવડદેવડ થતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. <

આરોપીઓના મોબાઇલમાં રહેલા સંદેશા, વોઇસ મેસેજ અને ક્રીન રેકોર્ડિંગ સહિતની વિગતો તપાસ માટે મહત્ત્વપૂર્ણ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સાથે આરોપી વિજયની બાઈક તેમજ મોબાઇલ પણ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ કરી હતી અને ઉપરોક્ત આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક