-સિરાજનું
પ્રદર્શન નિરાશાજનક : મધ્ય પ્રદેશ સામે હૈદરાબાદનો મેચ પણ ડ્રોએ સમાપ્ત
રાજકોટ
, તા. 14 : રણજી ટ્રોફી સીઝન 2026-27નો આગાઝ 11 ઓક્ટોબરથી થઈ ચૂક્યો છે. જેમાં ન્યુઝિલેન્ડ
પ્રવાસે રમાનારી બે ટેસ્ટની શ્રેણી પહેલા ટીમ ઇન્ડિયાના ઘણા સીનિયર ખેલાડી પોતપોતાના
પ્રદેશની ટીમ માટે રમી રહ્યા છે. જેમાં અમુક ખેલાડીઓનું આશા પ્રમાણે પ્રદર્શન રહ્યું
છે તો અમુકનાં પ્રદર્શને ચિંતા વધારી છે. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર
જાડેજાએ રણજી મુકાબલામાં બેટ અને બોલ બન્નેથી ઉમદા પ્રદર્શન કર્યું હતું. જે ટીમ ઇન્ડિયા
માટે સારા સમાચાર છે. બીજી તરફ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને આકિબ નબી બન્નેનું પ્રદર્શન
આશા પ્રમાણેનું રહ્યું નહોતું.
રવીન્દ્ર
જાડેજાએ સૌરાષ્ટ્ર તરફથી રમતા છત્તીસગઢ સામે સારું પ્રદર્શન કર્યું હતું અને પ્લેયર
ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. જાડેજાએ બેટિંગમાં 102 રન કર્યા હતા અને 40 રન આપીને
ત્રણ વિકેટ પણ લીધી હતી. જો કે સૌરાષ્ટ્રને ડ્રોથી સંતોષ માનવો પડયો હતો. પહેલી ઇનિંગની
બઢતનાં કારણે સૌરાષ્ટ્રની ટીમ ત્રણ અંક મેળવવામાં સફળ રહી હતી.
ટીમ
ઇન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ રણજી ટ્રોફીની વર્તમાન સીઝનમાં હૈદરાબાદની ટીમની
કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. જેમાં ટીમને સીઝનના પહેલા મેચમાં શાનદાર એકતરફી જીત મળી
હતી પણ કેપ્ટન સિરાજ કમાલ બતાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ત્રિપુરા સામે હૈદરાબાદે ઇનિંગ
અને 40 રને જીત મેળવી હતી. જો કે સિરાજ કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. બીજી ઇનિંગમાં સિરાજને
બે વિકેટ મળી હતી.
ડિફેન્ડિંગ
ચેમ્પિયન જમ્મુ કાશ્મીરનો સીઝનનો પહેલો મુકાબલો મધ્ય પ્રદેશની ટીમ સામે ડ્રો ઉપર ખતમ
થયો હતો. જો કે પહેલી ઇનિંગની બઢતના આધારે મધ્ય પ્રદેશ ત્રણ અંક મેળવવામાં સફળ રહ્યું
હતું. મેચમાં સૌની નજર આકિબ નબીના પ્રદર્શન ઉપર હતી. નબીએ પૂરા મેચમાં 42 ઓવર્સ બોલિંગ
કરી હતી અને ચાર વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. નબીનાં પ્રદર્શને પણ ચિંતામાં વધારો
કર્યો છે.