• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

ગોંડલમાં સાયબર ઠગાઈના બે બનાવ : રૂ. 3 લાખની ચોરી

ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 1.99 લાખ અને વેપારીના બેંક ખાતામાંથી રૂ. 1 લાખ ઉપડી ગયા

ગોંડલ,તા.13:ગોંડલમાં સાયબર ઠગાઈના બે અલગ બનાવ સામે આવ્યા છે. હેલ્થ ઇન્સ્યોરન્સ બંધ કરાવવાની લાલચ અને મોબાઈલ હેક કરીને અજાણ્યા શખ્સોએ બે વ્યક્તિને નિશાન બનાવ્યા હતા. બંને બનાવમાં કુલ રૂ. 2,99,820ની ઓનલાઇન છેતરાપિંડી થતાં પોલીસે ગુના નોંધી તપાસ શરૂ કરી છે.

     ગોંડલના ગણેશ નગર-2માં રહેતા અને નવા માર્કાટિંગ યાર્ડમાં બાલધા ટ્રેડર્સ નામે વેપાર કરતા 22 વર્ષીય મીતભાઈ ઓધવજીભાઈ બાલધાના પરિવારને અજાણ્યા શખ્સે એચ.ડી.એફ.સી બેંકના ક્રેડિટ કાર્ડમાં હેલ્થ ઇન્સ્યોરન્સની ઓટો-પે સેવા ચાલુ હોવાનું કહી ફોન કર્યો હતો. સેવા બંધ કરવાના બહાને નકલી વેબસાઇટ પર મોબાઈલ નંબર દાખલ કરાવતાં ક્રેડિટ કાર્ડમાંથી બે ટ્રાન્ઝેક્શનમાં અનુક્રમે રૂ. 97,850 અને રૂ. 1,01,970 મળી કુલ રૂ. 1,99,820 ઉપડી ગયા હતા. યુવકે ઇન્ટરનેટ બંધ કર્યું હોવા છતાં બીજું ટ્રાન્ઝેક્શન થયું હતું.

     બીજા બનાવમાં ગોંડલના ભગવતપરામાં રહેતા અને ઘરે વિજય પ્રોવિઝન નામે કરિયાણાની દુકાન ચલાવતા 46 વર્ષીય દીપકભાઈ ટપુભાઈ સોંદરવાના મોબાઈલની ડિસ્પ્લે અચાનક 15 મિનિટ માટે બંધ થઈ ગઈ હતી. સાંજે પુત્રને ગૂગલ પેથી નાણાં મોકલતાં ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જતાં ખાતું તપાસ્યું તો રૂ. 99,000 અજાણ્યા ખાતામાં અને રૂ. 1,000 એમેઝોન પે ગિફ્ટ કાર્ડમાં વપરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. બંને કિસ્સામાં ઓ.ટી.પી. આપ્યાની ફરિયાદ નથી. ગોંડલ બી ડિવિઝન અને સીટી પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક