• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

પ્રદર્શનકારીઓ ઉપર બર્બરતા : પોલીસને રાહુલની ચેતવણી

નવી દિલ્હી, તા.14: મુખ્ય ચૂંટણી કમિશનર(સીઈસી) જ્ઞાનેશ કુમાર વિરોધી આંદોલન દરમિયાન પોલીસે આચરેલી બર્બરતા મુદ્દે કોંગ્રેસનાં સાંસદ અને લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ આજે એક પત્રકાર પરિષદ યોજી હતી અને કસ્ટડીમાં પોલીસનાં અત્યાચારનો શિકાર બનેલા કેટલાક યુવકોને હાજર કર્યા હતાં. આ દરમિયાન પોલીસનાં દંડા સામે સમર નામક એઁક યુવકે વાંસળી ઉપર ‘વૈષ્ણવ જન તો તેને કહીએ’ ભજનની ધુન વગાડી હતી. રાહુલે આને દંડાનો જવાબ અલગ પ્રકારનાં દંડાથી ગણાવ્યો હતો! આ ઉપરાંત છાત્રો ઉપર અત્યાચાર કરનારા પોલીસકર્મીઓને રાહુલે સમય આવ્યે યોગ્ય કાર્યવાહી કરવાની ખુલ્લી ચેતવણી પણ આપી હતી.

આ પત્રકાર પરિષદમાં વાંસળીવાદક સમરે પણ પોતાની સાથે સાદા કપડામાં પોલીસકર્મીઓએ મારપીટ કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત તેણે પકડાયેલા યુવકોનાં ફોન ઝૂંટવીને ફોર્મેટ કરી નાખવામાં આવ્યા હોવાનો દાવો પણ કર્યો હતો. આવી જ રીતે એનએસયુઆઈની મહિલા પદાધિકારીએ પણ ઢસડીને મારપીટ કરાયાનો આરોપ પોલીસ ઉપર લગાવ્યો હતો. અન્ય એક છાત્રએ પોલીસે ડરાવ્યા અને ધમકાવ્યાનો આરોપ પણ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, તેની સામે એફઆઈઆર ઉપરાંત તેને તિહાર જેલમાં નાખી દેવામાં આવ્યા હતાં. કસ્ટડીમાં મારપીટ પણ કરાઈ હોવાનો ગંભીર આરોપ તેણે લગાવ્યો હતો.

રાહુલ ગાંધીએ આ તમામ છાત્રો અને યુવકોની કથની પછી પોતાનાં નિવેદનમાં કહ્યું હતું કે, આ અસલી હિન્દુસ્તાન છે. આમા કોઈ હિન્દુ, મુસ્લિમ નથી. કોઈ નાત-જાત નથી, કોઈ ત્રી-પુરુષ નથી. એક જ અવાજ અને એક જ વિરોધ છે. રાહુલે આગળ તમામ દેખાવકાર છાત્રોને કહ્યું હતું કે, તમામ ઘટનાના વિડીયો ફોનમાં રેકોર્ડ કરી લેવા અને સમય આવ્યે તેનો પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક