• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

રામ મંદિર બાદ હવે વારાણસીનાં કાશી વિશ્વનાથ મંદિરમાંથી ચોરી

વારાણસી, તા. 14 ઃ અયોધ્યામાં રામ મંદિરમાંથી દાન અને સોના-ચાંદીનાં આભૂષણોની ચોરીના મામલે એસઆઇટીની તપાસ વચ્ચે વારાણસીનાં પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાંથી સોનાની ચોરીનો મામલો વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) પહોંચ્યો છે. મામલાની ગંભીરતા જોતાં પીએમઓએ તેની તપાસ શરૂ કરી છે.

મામલાની ફરિયાદ કરનારા વકીલ નિત્યાનંદ રાયનું નિવેદન પીએમઓ દ્વારા લેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ)ના નિર્દેશ પર મંદિર વહીવટી તંત્રએ પણ આંતરિક તપાસ શરૂ કરી  હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વારાણસી નિવાસી રાયે 29 સપ્ટેમ્બરના પીએમઓ-સીએમઓ સહિત પત્ર લખીને મંદિરના ઉત્તરી દ્વારની ઉપરનાં બે સ્થાનમાંથી સુવર્ણકળશ ગાયબ થયાની ફરિયાદ કરી હતી. કથિત ચોરીની જાણકારી મંદિર વહીવટી તંત્ર પાસેથી માગવામાં આવી, તો કોઇ જવાબ આપવામાં આવ્યો ન હતો.

જો કે, મંદિર તંત્રે એમ જણાવ્યું હતું કે, મંદિરના ઉત્તરી દ્વારની ઉપર લાગેલો એક સુવર્ણકળશ વાંદરાઓની ઉછળ-કૂદથી પડી ગયો હતો, જેને ભંડાર ગૃહમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે. ટેકનિકલ પરીક્ષણ વિના કળશને ફરી સ્થાપિત કરવો ઉચિત ન હોવાથી આઇઆઇટી મદ્રાસનો સંપર્ક કરવામાં આવ્યો છે એમ વહીવટીતંત્રે ઉમેર્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક