• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

સસ્તું ઓઈલ આપે તો જ વેનેઝુએલા પાસેથી ખરીદાશે : ભારતની સ્પષ્ટતા

નવી દિલ્હી, તા.21: અમેરિકાનાં દુરાગ્રહનાં હિસાબે રશિયા પાસેથી ઓઈલ ખરીદી ઘટાડી નાખવામાં આવ્યા બાદ વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદી સહિતનાં મુદ્દે વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારતની સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, વેનેઝુએલા સાથે સોદો ત્યારે જ થશે જ્યારે વાજબી કિંમતની ઓફર મળશે.

આ ઉપરાંત તેમણે અમેરિકા-ઈરાન સંકટ ઉપર ભારતની નજર હોવાનું કહીને ઉમેર્યું હતું કે, ત્યાં વસતા ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવાં માટે તમામ ઘટતું કરવામાં આવશે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતીને આખરી ઓપ આપવા અને ટ્રમ્પનાં બોર્ડ ઓફ પીસ કાર્યક્રમમાં ભારતની ભૂમિકા ઉપર પણ તેમણે જોર આપ્યું હતું.

જયસ્વાલે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સપ્તાહમાં વેનેઝુએલા પાસેથી ઓઈલની ખરીદી મુદ્દે જે નિવેદનો આપવામાં આવ્યા છે તે ભારતની નીતિ દર્શાવે છે. વેનેઝુએલા પાસેથી ઓઈલ ત્યારે જ ખરીદવામાં આવશે જ્યારે વ્યાપારી ધોરણે લાભકારી હશે. કિંમત, ગુણવત્તા અને લોજિસ્ટીક યોગ્ય થયા બાદ જ આ વિકલ્પ અપનાવવામાં આવશે. આ ઉપરાંત રશિયા પાસેથી ઓઈલ ખરીદી મુદ્દે કહેવામાં આવ્યું હતું કે, આપણી ઉર્જા નીતિ દેશની જરૂરીયાત અને ઉર્જા સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. આનાં માટેનાં નિર્ણય રાષ્ટ્રીય હિત અને વ્યવસાયિક લાભ બન્ને ધ્યાને રાખીને જ કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક