• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

સુરેન્દ્રનગર : હની ટ્રેપમાં રૂ.1 કરોડ ખંખેરી લેનારા આરોપીઓ ગણતરીનાં કલાકોમાં ઝડપાયા

મહિલા સહિત 4 આરોપીને ઝડપી એલ.સી.બી.એ રૂ.69.30 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

સુરેન્દ્રનગર, તા.21 : સુરેન્દ્રનગર બી ડિવિઝનમાં હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી. સાણંદ રહેતા તથા જમીન મકાનની દલાલીનું કામ કરતા 45 વર્ષીય યુવકને સુરેન્દ્રનગર બોલાવી સુવાળા સંબંધોની મોહ જાળમાં ફસાવી, ધમકી આપી એક કરોડ પડાવી લીધાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે કેસમાં એલ.સી.બી.એ 4 આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા.

સાણંદના યુવાનને હની ટ્રેપમાં ફસાવી સુરેન્દ્રનગર બોલાવ્યો હતો. યુવાનને એક મકાનમાં બોલાવી ત્યારબાદ અચાનક 4 શખસ આવી પિસ્તોલ તથા છરી દ્વારા અપહરણ કરી રણ વિસ્તારમાં લઈ ગયા હતા તેમજ યુવાન પાસેથી રૂ.1 કરોડ રોકડા ખંખેરી લીધા હતા. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા જિલ્લાની પોલીસ ટીમો હરકતમાં આવી હતી. એલ.સી.બી. પી.આઇ. જે. જે. જાડેજા તથા પી.એસ.આઇ. જે. વાય. પઠાણ દ્વારા આ બનાવને ગંભીરતાથી લઈ અલગ અલગ ટીમ બનાવી હતી.

ચોક્કસ બાતમીના આધારે આ ગુનામાં સંડાવેલા આરોપીઓ એક મહિલા તેમજ તોસીફખાન અકબરખાન મલેક (રહે. અખીયાણા, સુરેન્દ્રનગર), સાહિલખાન સરદારખાન મલિક (રહે. માલવણ, સુરેન્દ્રનગર), આસિફખાન મહોબતખાન મલેક (રહે. અખિયાણા, સુરેન્દ્રનગર)ને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે આ ગુનામાં અન્ય શખસ અરબાઝખાન હયાતખાન મલેક (રહે. અખિયાણા, સુરેન્દ્રનગર) તથા અમન (રહે.ઇન્ગ્રોડી)ને પકડવાના બાકી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, પકડાયેલા ચારેય આરોપી પાસેથી રોકડા રૂ.69,30,000 લાખ તથા પાંચ મોબાઇલ, 1 પિસ્ટલ, કાર સહિત કુલ રૂ.72,50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક