• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

ભાગવત જે ટ્રેનમાં હતાં તેનાં ઉપર પથ્થરનો ઘા !

વંદે ભારતનાં એક ડબ્બાની બારીનો કાચ તૂટયો: ભાગવત અન્ય ડબ્બામાં હતાં

નવી દિલ્હી, તા.20: મોહન ભાગવત જે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતાં તે ટ્રેન ઉપર જ ઉત્તરપ્રદેશનાં હરદોઈ જિલ્લામાં આજે બપોરે પથ્થરમારો થયાનાં અહેવાલોને પગલે હડકંપ મચી ગયો હતો. પથ્થર લાગવાનાં કારણે ટ્રેનનો એક કાચ પણ તૂટી ગયો હતો. જો કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

વંદે ભારતનાં જે કોચ ઉપર પથ્થર લાગ્યા તેમાં ભાગવત સવારી નહોતાં કરતાં. તેઓ અન્ય એક ડબ્બામાં બેઠા હતાં. આ ટ્રેન વારાણસીથી મેરઠ થઈ રહી હતી ત્યારે ચાંદમારી અને કૌઢા સ્ટેશન વચ્ચે આશરે 3.20 વાગ્યે ટ્રેનનાં સી-4 કોચ ઉપર પથ્થર ટકરાયો હતો અને તેના હિસાબે બારીનો કાચ પણ તૂટયો હતો. જો કે મોહન ભાગવત ઈ-1 કોચમાં બેઠેલા હતાં. રેલવે સૂત્રોનાં કહેવા અનુસાર 10-1પ વર્ષનાં બાળકો ટ્રેનનાં પાટા પાસે ક્રિકેટ રમતા હતાં અને રમત વખતે ભૂલથી જ ટ્રેન ઉપર પથ્થર લાગ્યો હોઈ શકે છે. આમ છતાં આ ઘટનાની જાણ થતાં આરપીએફ, જીઆરપી અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. પ્રાથમિક તપાસમાં બાળકોની રમતમાં ટ્રેન ઉપર પથ્થરનો ઘા થયો હોવાનું સામે આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક