• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

સુપ્રીમ ઝટકા પછી ટ્રમ્પે કાઢ્યો ટેરિફનો તોડ

કામચલાઉ ધોરણે ભારત સહિતનાં દેશો ઉપર 10 ટકા ટેરિફનાં આદેશ ઉપર હસ્તાક્ષરના અમુક કલાકમાં જ ટ્રમ્પે ફોડયો નવો

બોમ્બ : ટેરિફ હવે 15 ટકા

 

નવી દિલ્હી, તા.21:

દુનિયાભરનાં દેશો ઉપર અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આડેધડ ઝીંકવામાં આવેલા ટેરિફને અમેરિકાની સર્વોચ્ચ અદાલતે અવૈધ ઠરાવીને મોટો ઝટકો આપ્યા બાદ હવે ટ્રમ્પ પ્રશાસને આનો તોડ કાઢી લીધો છે. ટ્રમ્પે ભારત સહિતનાં તમામ દેશો ઉપર 10 ટકા અસ્થાયી ટેરિફ લાદવાનાં એક આદેશ ઉપર રાતોરાત હસ્તાક્ષર કરી નાખ્યા હતા. જો કે, આ આદેશના અમુક કલાકમાં જ નવો બોમ્બ ફોડતા ટ્રમ્પે અમેરિકાનાં આ 10 ટકા હંગામી ટેરિફને વધારીને 1પ ટકા કરી નાખ્યો હતો. આદેશને પગલે હવે 24મી ફેબ્રુઆરીથી ભારતીય ચીજો ઉપર 15 ટકા પારસ્પરિક ટેરિફ લાગશે અને તેનાં હિસાબે ટેરિફનો બોજ ઘટશે.

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાનૂની ઠરાવી દીધા બાદ પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે ચુકાદાને ભયાનક ગણાવ્યો હતો અને તુરંત એક નવા આદેશની ઘોષણા કરી નાખી હતી. તેમણે ટ્રેડ એક્ટ 1974ની કલમ 122 હેઠળ 10 ટકા કામચલાઉ ટેરિફ નાખવાનાં આદેશ ઉપર હસ્તાક્ષર કરી દીધા હતાં. જો કે, અનેક દેશોએ અમેરિકાનો ભૂતકાળમાં લાભ ઉઠાવ્યો હોવાનું કહીને ટ્રમ્પે અમુક કલાકમાં જ ટેરિફ વધારીને 1પ ટકા કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, આ  કાયદો અમેરિકાનાં પ્રશાસનને વેપાર સંતુલનની ખાધ ઓછી કરવા માટે 1પ0 દિવસો માટે 1પ ટકા સુધીનાં હંગામી આયાત સરચાર્જ નાખવાની અનુમતિ આપે છે. આ નવા ટેરિફ તાત્કાલિક અસરથી એટલે કે 24મી ફેબ્રુઆરીથી જ લાગુ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ઓગસ્ટમાં ભારત ઉપર 2પ ટકા ટેરિફ લાદ્યા બાદ રશિયા પાસેથી ઓઈલ ખરીદીનાં દંડ પેટે વધુ 2પ ટકા ટેરિફ નાખેલો. ત્યારબાદ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતીને આખરી ઓપ અપાયા બાદ ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવેલો. હવે આ ટેરિફ ઘટીને 10 ટકા થયો હતો અને પછી તેને 1પ ટકા કરી નાખવામાં આવ્યો છે. આ 1પ ટકા ટેરિફ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી ટ્રમ્પ તરફથી અન્ય કોઈ આદેશ આપવામાં ન આવે.

વ્હાઈટ હાઉસ તરફથી એક તથ્યપત્ર જારી કરવામાં આવ્યો છે અને તેમાં પણ કહેવામાં આવ્યું છે કે, ભારત સહિત અમેરિકા સાથે જેટલા પણ વેપાર ભાગીદાર દેશોએ સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પહેલા વેપાર સમજૂતી કરેલી છે તેમને હવે માત્ર 1પ ટકા ડયૂટીનો સામનો કરવો પડશે. ભલે પછી તે ઉંચા ટેરિફ ચૂકવવા માટે સહમત થયા હોય પણ હવે તેમને 1પ ટકા ટેરિફ લાગશે.

‘ભારત અમેરિકાને ટેરિફ ચૂકવશે અને અમેરિકા ભારતને કોઈ જ ટેરિફ નહીં આપે’

સુપ્રીમનાં ચુકાદા બાદ પણ ટ્રમ્પની અક્કડ યથાવત્ : ભારત સાથે સ્થિતિમાં કોઈ જ બદલાવ નથી

વોશિંગ્ટન, તા.21: સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો લાગ્યા બાદ પણ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જરાય નરમ પડયા નથી અને હવે તેમણે ભારત સાથેનાં વેપાર સંબંધોમાં અમેરિકા પ્રથમની નીતિને વધુ આકરી બનાવતી પ્રતિક્રિયા આપી છે. સુપ્રીમ કોર્ટે ટેરિફને અસંવિધાનિક ઠરાવી દીધા બાદ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ભારત સાથે થયેલી વેપાર સમજૂતીમાં કોઈ જ બદલાવ નહીં થાય. ભારત અમેરિકાને ટેરિફ ચૂકવશે અને અમેરિકા ભારતને કોઈ જ ટેરિફ નહીં આપે. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનાં પોતાનાં સંબંધોને શાનદાર ગણાવતા કહ્યું હતું કે, અગાઉ વેપારની બાબતે ભારતે અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો હતો. જેને હવે બદલી નાખવામાં આવ્યું છે. ટ્રમ્પનાં કહેવા અનુસાર વડાપ્રધાન મોદી એક મહાન વ્યક્તિ છે પણ તેઓ વેપાર સોદા બાબતમાં અગાઉનાં અમેરિકી નેતૃત્વથી અધિક ચતુર હતાં. તેનાં હિસાબે અમેરિકાને ઘણું નુકસાન થયું. હવે તેમની સાથે નવી ડી લકરવામાં આવી છે અને તેમાં સ્થિતિ પલટાઈ ગઈ છે.

ટ્રમ્પે આગળ કહ્યું હતું કે, તેમનાં અનુરોધ ઉપર જ ભારતે રશિયાથી ઓઈલની ખરીદી પણ ઘટાડી નાખી છે. આ ઉપરાંત ફરી એકવાર ભારત અને પાક.નાં ઘર્ષણને અટકાવવાનો શ્રેય લેતા તેમણે કહ્યું હતું કે, પાક.નાં વડાપ્રધાન શહબાઝ શરીફે ખુદ કહ્યું છે કે, ટ્રમ્પે યુદ્ધ રોકાવીને 3પ કરોડ લોકોનાં જીવ ઉગારી લીધા છે. ટ્રમ્પે કહ્યું હતું કે, તેમણે 200 ટકા ટેરિફ ઝીંકવાની ધમકી આપીને બન્ને દેશ વચ્ચે યુદ્ધ અટકાવી દીધું હતું.

 

હવે ટેરિફ પેટે વસૂલેલા 133 અબજ ડોલર પરત કરવાનો પેચીદો પ્રશ્ન

વોશિંગ્ટન, તા.21: અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ડોનાલ્ડ ટ્રમ્પે નાખેલા ટેરિફને રદ કરી નાખવામાં આવ્યા બાદ સૌથી મોટો સવાલ એ પેદા થયો છે કે, અમેરિકાની સરકારે અત્યાર સુધીમાં ટેરિફ પેટે 133 અબજ ડોલર એટલે કે આશરે 11 લાખ કરોડ રૂપિયા અન્ય દેશો પાસેથી વસૂલી લીધા છે તેનું શું થશે? મોટી-મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ હવે પોતાનાં નાણાં પરત માગી રહી છે. આ નાણાં શું અમેરિકાનું પ્રશાસન પરત કરશે કે નહીં તે બહુ ગૂંચવણભર્યો પેચીદો પ્રશ્ન બની ગયો છે. ટેરિફની આ લડાઈ હવે વધુ જટિલ અને વિવાદાસ્પદ બનવાની છે. કેટલાક જાણકારો આવનારા સમયમાં અમેરિકી પ્રશાસન તરફથી વસૂલવામાં આવેલા ટેરિફ રિફન્ડ કરવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.

 

નવા આદેશનું અધ્યયન ચાલી રહ્યું છે : ભારત સરકાર

નવીદિલ્હી, તા.21: અમેરિકામાં સુપ્રીમ કોર્ટે ટેરિફને અવૈધ ઠરાવી દીધા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવો આદેશ જારી કરીને 10 ટકા કામચલાઉ ટેરિફ લાગુ કરી દીધા છે ત્યારે આ નવા ઘટનાક્રમો ઉપર ભારત સરકાર તરફથી પ્રથમ પ્રતિક્રિયા આવી છે. વાણિજ્ય મંત્રાલયે આજે કહ્યું હતું કે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો સંજ્ઞાનમાં છે અને અમેરિકી પ્રશાસન તરફથી પછી લેવામાં આવેલાં કેટલાંક પગલાં ઉપર પણ સરકારની નજર છે. આ નવા આદેશનાં પ્રભાવનાં સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે, આ ઘટનાક્રમોની બારીકાઈથી ચકસાણી ચાલી રહી છે જેથી તેની સંભવિત અસરોને પણ સમજી શકાય. 

ઇ-પેપરના નવા શુલ્ક