કાટમાળ
અને અન્ય કચરો ઠાલવાતા ગંદકીનું સામ્રાજ્ય, ન્યુસન્સને કારણે શહેરની છબી ખરાબ
તત્કાલીન
કલેક્ટર રૈમ્યા મોહને મેદાનના ડેવલપમેન્ટ અંગેનો મોટો પ્રોજેકટ લાવવાની વિચારણા કરી
પણ અમલવારી ન થઈ
દિવાલ
અને દ્વાર બનાવી ગાર્ડ મુકાયા પણ બધું નિરર્થક: મેદાન જાણે ફ્રી પાર્કિંગ અને હોકર્સ
ઝોનની સવલત પુરી પાડતું હોય તેવું ચિત્ર
રાજકોટ,તા.9
: શહેરના ઐતિહાસિક અને લોકપ્રિય શાસ્ત્રી મેદાન અનેક ઘટનાઓનું સાક્ષી છે. મેદાનમાં
અટલ બિહારી વાજપેયી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, એલ.કે.અડવાણી, મોરારજી દેસાઇ, લાલબહાદુર
શાસ્ત્રી જેવા ધૂરંધર નેતાઓની સભા થઇ ચૂકી છે. દર વર્ષે ધ્વજવંદન થતું, વર્ષો સુધી
લોકમેળો યોજાયો. આ મેદાન શહેરનું અને લોકોનું હૃદય છે, પરંતુ અત્યારે મેદાનની પથારી
ફરી ગઇ છે અને તંત્રને કશી પડી ન હોય તેવો તાલ સર્જાયો છે.
શાસ્ત્રી
મેદાન રાજકોટના ભવ્ય ઇતિહાસ સાથે જોડાયેલું છે. હાલની તકે પણ અહીં ધાર્મિક તેમજ સામાજીક
કાર્યક્રમો મોટા પ્રમાણમાં યોજાય છે. તત્કાલીન કલેકટર રૈમ્યા મોહન દ્વારા શાસ્ત્રી
મેદાનના ડેવલપમેન્ટ અંગેનો મોટો પ્રોજેકટ લાવવાની વિચારણા હાથ ધરી હતી. અંદર શુ શુ
બનાવવું તે મામલે આયોજન પણ હાથ ધર્યું હતું. બાદમાં આ પ્રોજેકટ પડતો મૂકી દેવામાં આવ્યો
હતો અને માત્ર ફરતે દીવાલ અને દ્વાર મુકવાનું જ નક્કી કરવામાં આવ્યું હતું.
કલેકટર
સંચાલિત શાસ્ત્રી મેદાન ફરતે નવી દીવાલ અને દ્વાર બનાવીને સુરક્ષિત કરવામાં આવ્યું
છે. આ ઉપરાંત અહીં સિક્યુરિટી ગાર્ડ પણ મુકવામાં આવ્યા છે. પરંતુ આ આ બધુ માત્ર દેખાવ
પુરતુ હોય તેવું સાબિત થયું છે. થોડા દિવસ સબ સલામત રહ્યા બાદ અહીં ખાનગી બસ અને નાસ્તાની
લારીઓનો અડ્ડો જામી જાય છે. આ મેદાન જાણે ફ્રી પાર્કિંગની અને હોકર્સ ઝોનની સવલત પુરી
પાડતું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. શાસ્ત્રી મેદાનની નજીક આવેલા ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો
બેરોકટોક મેદાનનો ઉપયોગ ફ્રી પાર્કિંગ તરીકે કરી રહ્યા છે.
વધુમાં
અત્યાર સુધી આ મેદાનમાં લોકો કાટમાળ અને અન્ય કચરો ઠાલવી જતા હતા. એ સમસ્યાનું પણ સમાધાન
હજુ સુધી થયું નથી. મેદાનમાં આડેધડ કચરો ઠલવાતા કોઈ ઇવેન્ટ પૂર્વે સફાઈનો ખર્ચ પણ મોટો
થાય છે. બીજી તરફ મેદાનમાં પડયા પાથર્યા રહેતા ન્યુસન્સ અને આંટાફેરા કરતા કોલેજીયનોને
પ્રવેશ આપવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે, પરંતુ આ સમસ્યા પણ હજુ જેમની તેમ જ છે.
કલેકટરની એટલે કે સરકારની માલિકીના આ ઐતિહાસિક અને લોકપ્રિય શાસ્ત્રી મેદાનની દિવાલ ફરતે રખાયેલી લોખંડની 40 જેટલી ગ્રીલ
પણ ચોરાઈ ગઈ અને અગાઉ બે મુખ્ય દ્વાર પણ તોડી નાંખ્યા હતા.
-------------
કલેક્ટર
હસ્તકના તમામ મેદાનોમાં દબાણ
કલેકટર
હસ્તક શાસ્ત્રી મેદાન ઉપરાંત ચૌધરી હાઇસ્કુલ, વિરાણી હાઇસ્કુલ, ધર્મેન્દ્રાસિંહજી કોલેજ
સહિતના 4 મેદાન છે. દરેક મેદાનમાં કોઈને કોઈ પ્રકારના દબાણો થયેલા છે. વિરાણીમાં તો
કોમર્શીયલ દબાણ છે, તો શાસ્ત્રી મેદાનમાં થયેલા દબાણથી લોકોનો જીવ બળે છે, પરંતુ અધીકારીઓના
પેટનું પાણી પણ ન હલતું હોય તેમ ભેદી મૌન સેવીને બેઠા છે.