• સોમવાર, 31 માર્ચ, 2025

ગુનો કરતા ચેતી જજો : 150થી વધુ ગુનેગારોને પોલીસની કડક ચેતવણી

પાંચથી વધુ ગુનામાં સંડોવાયેલા 150થી વધુ મહિલા સહિતના ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચનું આખરી અલ્ટીમેટમ

 

રાજકોટ, તા.23: રાજ્ય પોલીસવડા દ્વારા 100 કલાકની અંદર દરેક શહેર-જિલ્લાના ગુનેગારોની યાદી તૈયાર કરી તેમની સામે કડકમાં કડક પગલાં લેવાનો આદેશ છૂટતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 150થી વધુ ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ બોલાવીને આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે ગુનો કર્યો એટલે બે દિવસમાં છૂટી જશો એ વાત હવે ભૂલી જવાની કડક ચેતવણી આપવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દારૂ, જુગાર, મારામારી સહિતના પાંચથી વધુ ગુના નોંધાયા હોય તેવા મહિલા અને પુરુષ ગુનેગારોને કચેરીમાં એકઠા કરવામાં આવ્યા હતા. આ પછી કચેરીના મેદાનમાં બધાને એકઠા કરી ડીસીપી ક્રાઈમ ડૉ.પાર્થરાજાસિંહ ગોહિલ દ્વારા ગુનેગારોનો ક્લાસ’ પણ લેવામાં આવ્યો હતો. ડીસીપીએ આકરા શબ્દોમાં ગુનેગારોની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું કે અહીં હાજર તમામ ગુનેગારો પાંચથી વધુ ગુના આચરી ચૂક્યા છે.

અગાઉ આ લોકોના મનમાં એવું હતું કે ગુનો કરશું એટલે એકાદ-બે દિવસમાં જામીન ઉપર છૂટી જશું પરંતુ હવે આ વાત ભૂલી જવાની રહેશે કેમ કે હવે એક પણ ગુનો કર્યો એટલે એ ગુનેગારની આખેઆખી કુંડળી કાઢવામાં આવશે અને તેના આધારે તેના મકાન, વાહન, વીજ કનેક્શન સહિતની ચકાસણી કર્યા બાદ ગેરકાયદે જણાશે એટલે તુરંત જ તેનો ખાત્મો બોલાવી દેવામાં આવશે. વાત આટલેથી જ નહીં અટકે, ગુનેગારના જામીન પડેલા વ્યક્તિ સામે પણ હવે પોલીસ કાર્યવાહી કરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક