જંગલેશ્વર, રૈયાધાર જેવા વિસ્તારોમાં કાયદાકીય માર્ગદર્શન આપતા કાર્યક્રમો યોજી નશા સામે જનજાગૃતિ લાવવા સળવળાટ
રાજકોટ, તા. 23 : રંગીલું શહેર રાજકોટ નશાની ગર્તામાં ધકેલાઈ રહ્યંy છે. ગત એક જ માસમાં શહેરમાંથી ર1 કિલોથી વધુ માત્રામાં ગાંજાનો જથ્થો પકડાયો છે. દારૂ તેમજ અન્ય ડ્રગ્સ તો જુદા ! નશાથી યુવાનોને બચાવવા જરૂરી બન્યા છે ત્યારે જંગલેશ્વર, રૈયાધાર જેવા વિસ્તારોમાં કાયદાકીય માર્ગદર્શન આપતા કાર્યક્રમો યોજી નશા સામે જનજાગૃતિ લાવવા પોલીસ તંત્રમાં સળવળાટ થઈ રહ્યો છે.
રાજકોટ શહેરમાં ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર (નાર્કોડ)ની બેઠક તાજેતરમા યોજાઈ હતી. જેમાં ડ્રગ્સ વેચતા લોકો પર વોચ રાખવા, રેકેટ તોડવા ખાસ કોમ્બિંગ કરવા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ પોલીસ વિભાગને ખાસ સૂચના આપી હતી.
ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન હેઠળ શાળા કોલેજ ઉપરાંત ડ્રગ્સ વેચાણ સાથે જોડાયેલા જંગલેશ્વર, રૈયાધાર જેવા વિસ્તારોમાં પણ કાયદાકીય માર્ગદર્શન આપતા કાર્યક્રમો હાથ ધરવા અધિક પોલીસ કમિશનરે સૂચના આપી હતી. રાજકોટ શહેરમાં ડ્રગ્સ વેચાણ કરતા લોકો પર હાલમાં જ કડક હાથે કામગીરી કરવામાં આવી છે ત્યારે, અન્ય લોકો આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ છોડી દે માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે, તેમ અધિક પોલીસ કમિશનરે દિશાનિર્દેશ કર્યા હતાં.
યુવાધન નશીલા પદાર્થોના સેવનથી દૂર રહે તે માટે પ્રિવેંશન પર ભાર મૂકી જનજાગૃતિ અભિયાન અસરકારક રીતે આગળ વધારવા સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ રાજકોટની વિવિધ કોલેજ અને યુનિવર્સીટીના અધિકારીઓને પણ સૂચના આપી હતી.
નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર બેઠકમાં પોલીસ વિભાગ દ્વારા એન્ટી-ડ્રગ્સ કેમ્પઇન અંગે ડી.સી.પી. પાર્થરાજાસિંહ ગોહિલે રાજકોટ શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડવામાં આવેલ ડ્રગ્સના કેસની માહિતી પૂરી પાડતા ગત માસમાં એન.ડી.પી. એસ.ના ત્રણ કેસમાં કુલ 21 કિલોગ્રામથી વધુનો ગાંજો પકડી પાડવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
એસ.ઓ.જી દ્વારા પી.ડી.યુ. કોલેજ સહિત વિવિધ શાળાઓમાં કરવામાં આવેલા સેમિનારની વિગત પૂરી પાડી હતી.