• શનિવાર, 31 મે, 2025

દર ચોમાસે ‘ડૂબકી’ મારતું રાજકોટ !

જનકસિંહ ઝાલા

 

રાજકોટ તા.18 : રાજકોટમાં વિધિવત ચોમાસાના પ્રારંભ પૂર્વે વરસેલા ’કમૌસમી’ વરસાદે શહેરને પાણી-પાણી કરી દીધુ હતું. કોર્પોરેશન દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ ભરચોમાસે શહેરમાં જે જળબંબાકાર જેવી સ્થિતિઓ સામે આવે છે અને મુખ્યમાર્ગો તેમજ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે ત્યારે આ કામગીરી માત્ર કાગળોમાં જ થઈ હોવાનું સાબીત થઈ જાય છે.ગત વર્ષે જ શહેરમાં 956 જેટલી પાણી ભરાઈ જવાની ફરિયાદો કોર્પોરેશનના કોલ સેન્ટરમાં નોંધાઈ હતી.

સૌથી વધુ 87 ફરિયાદો વોર્ડ નં.7માં સામે આવી હતી. આ વોર્ડમાં રૈયા રોડ, રેસકોર્સ રીંગ રોડ, જિલ્લા પંચાયત ચોક, ફૂલછાબ ચોક, સદર બજાર મેઈન રોડ, પરાબજાર, રૈયાનાકા ટાવર, જૂના રાજકોટમાં સમાવિષ્ટ વિસ્તારો, રામનાથપરા, પેલેસ રોડ, લક્ષ્મીનગર નાલુ, હેમુ ગઢવી હોલ, જનકલ્યાણ સોસાયટી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી ઓછી માત્ર 9 ફરિયાદો વોર્ડ નં.15માં નોંધાઈ હતી જેમાં દૂધસાગર રોડ, કોઠારિયા અને થોરાળાના ત્રિભેટા સુધીનો વિસ્તાર, ખોખડદડ નદીથી પશ્વિમ હદ સુધી, આજી ડેમ ચોકડી આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે.

ગત વર્ષે જે વિસ્તારોમાં સૌથી વધુ પાણી ભરાયાં હતાં તેમાં કોઠારિયા કોલોની, માસ્ટર સોસાયટી, માધાપર, બજરંગવાડી, પરાબજાર, કોઠારિયા-વાવડી ગામ, અંબીકા ટાઉનશીપ, અમીન માર્ગ, લલુડી વોકળી, જાનકી પાર્ક, રેલનગર, પોપટપરાનો સમાવેશ થાય છે. તાજેતરમાં પડેલા માત્ર બે ઈંચ કમોસમી વરસાદમાં પણ ગવલીવાડ વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં પાણી ઘૂસી આવ્યાં હતાં. આ ઉપરાંત પોપટપરા નાલું સ્વીમીંગ પુલમાં ફેરવાઈ ગયું

હતું.

નોંધનીય છે કે, રાજકોટમાં સતત બે થી 3 ઈંચ વરસાદ પડે તો પણ સમગ્ર શહેર પાણી-પાણી થઈ જાય છે. તંત્રના સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કમાં અનેક ત્રુતિઓ છે, આ ઉપરાંત ડીઆઈ પાઈપલાઈનના ગોકળ ગાયની ગતિએ ચાલતા કામોને લીધે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યાં છે જેના કારણે ત્યાં પાણીનો ભરાવો થઈ આવે છે.

અન્ય કારણોમાં શહેરને વિકસીત કરવામાં વોંકળાઓને બૂરી દેવામાં આવ્યાં છે અને તેના ઉપર દબાણોનો ખડકલો કરી દેવાયો છે પરિણામે શહેરમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદે વિરામ લીધા બાદ પણ કલાકો સુધી પાણી ભરાયેલા રહે છે. અડરબ્રિજો સ્વીમીંગ પુલમાં ફેરવાઈ જાય છે જેના કારણે પરિવહન બંધ થઈ જાય છે. આ સમસ્યા દર વર્ષની છે. આશ્ચર્ય એ વાતનું છે કે, હજુ સુધી કોર્પોરેશને પ્રિ-મોન્સુન પ્લાન માટેની કોઈ રણનીતિ ઘડી નથી.

 

પાણી ભરાવાની ગત વર્ષની ફરિયાદો

વોર્ડ       ફરિયાદો

વોર્ડ નં.1 65

વોર્ડ નં.2 52

વોર્ડ નં.3 86

વોર્ડ નં.4 54

વોર્ડ નં.5 12

વોર્ડ નં.6 41

વોર્ડ નં.7 87

વોર્ડ નં.8 80

વોર્ડ નં.9 56

વોર્ડ નં.10          45

વોર્ડ નં.11          79

વોર્ડ નં.12          60

વોર્ડ નં.13          53

વોર્ડ નં.14          36

વોર્ડ નં.15          9

વોર્ડ નં.16          27

વોર્ડ નં.17          34

વોર્ડ નં.18          80

કુલ        956

ઇ-પેપરના નવા શુલ્ક