• શનિવાર, 31 મે, 2025

મેટોડા GIDCની એક કંપનીમાં વિકરાળ આગ

રાજકોટ, તા. 25 : રાજકોટ નજીક મેટોડા GIDC ગેટ નંબર-1માં આવેલી એમરોક નામની પ્લાસ્ટિકની જારી બનાવતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, ગણતરીની મિનિટોમાં જ તેણે આખી ફેક્ટરીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. જો કે, સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફેક્ટરીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આગ લાગતાની સાથે સૌપ્રથમ મેટોડા ફાયર સ્ટેશનની તમામ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. જોકે, પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક બનાવવા માટે વપરાતા કેમિકલ્સને કારણે આગ વધુ વિકરાળ બની હોવાથી રાજકોટ અને અન્ય આજુબાજુના વિસ્તારમાંથી ફાયર ગાડીઓ આવી પહોચી હતી. ભારે મહેનત બાદ સવારે આગ પર કાબૂ મેળવવો શક્ય બન્યું હતું. આગ લાગી તે સમયે ફેક્ટરીમાં કેટલાક કામદારો પણ કામ કરી રહ્યા હતા. જોકે, આગ લાગવાની જાણ થતાં જ તેઓ તરત સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ શા કારણે લાગી તે જાણી શકાયું નથી તેમજ ટોટલ કેટલું નુકશાન થયું છે તેની વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી.

ઇ-પેપરના નવા શુલ્ક