• શુક્રવાર, 13 જૂન, 2025

દુનિયામાં સૌથી ઝડપે મુસ્લિમ આબાદીમાં વધારો

પ્યૂ રિસર્ચનો રિપોર્ટ  : 2010-20 વચ્ચે 34.7 કરોડ મુસ્લિમ વધ્યા, નાસ્તિકની સંખ્યા પણ વધી : હિંદુઓની કુલ વસતી ચોથા ક્રમાંકે

નવી દિલ્હી, ત. 11 : છેલ્લા એક દશકમાં દુનિયામાં સૌથી વધારે મુસ્લિમોની આબાદી વધી છે, જ્યારે ભારત સહિત ઘણા દેશોમાં હિંદૂઓની  આબાદીમાં ઘટાડો આવ્યો છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના રિપોર્ટથી આબાદી મુદ્દે આ ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર 2010થી 2020 વચ્ચે મુસ્લિમોની આબાદીમા 34.7 કરોડનો વધારો થયો છે. જે કોઈ અન્ય ધર્મની આબાદીમાં વૃદ્ધિથી ઘણો વધુ છે. ભારતમાં મુસ્લિમોની આબાદીમાં 3.56 કરોડની વૃદ્ધિ થઈ છે. સર્વે અનુસાર ખ્રિસ્તી, મુસ્લિમ અને નાસ્તિક લોકો બાદ ચોથા સ્થાને હિંદૂ આબાદી છે. સૌથી વધારે હિંદૂ એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં છે. પુરી દુનિયાના 99 ટકા હિંદુ આ વિસ્તારમાં રહે છે. જેમાંથી 95 ટકા માત્ર ભારતમાં છે.

પ્યૂ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર આબાદીની ગણના માટે 2700થી વધારે જનગણના અને સર્વેક્ષણનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે દુનિયાભરમાં મુસ્લિમોની આબાદી અંદાજીત 2 અબજ થઈ છે. દુનિયાની આબાદીમાં   મુસ્લિમોની હિસ્સેદારી 1.8 અંક વધીને 25.6 ટકા થઈ છે. તેમજ કોઈપણ ધર્મને ન માનતા એટલે કે નાસ્તિક લોકોની સંખ્યા દુનિયાની આબાદીના 24.2 ટકા થઈ છે. બૌદ્ધ એકમાત્ર એવો ધાર્મિક સમૂહ છે, જેની જનસંખ્યા 2020મા એક દશક પહેલાની તુલનાએ ઘટી છે.

ભારતમાં હિંદુ આબાદી 2010મા 80 ટકા હતી, જે 2020મા 79.4 ટકા થઈ છે. મુસ્લિમોની આબાદી 2010મા 14.3 ટકા હતી, જે 2020મા વધીને  15.2 ટકા થઈ છે. ખ્રિસ્તી વસ્તીમાં થોડી કમી આવી છે. 2010ના 2.3 ટકાની તુલનાએ ખ્રિસ્તી 2.2 થયા છે. જ્યારે બીજા ધર્મની વાત કરવામાં આવે તો 2.7 ટકાથી ઘટીને 2.5 ટકા થયા છે. ભારતની આબાદી વર્ષના અંત સુધીમાં 1.46 અબજે પહોંચવાની સંભાવના છે.

ટોપ-10 હિંદુ આબાદી ધરાવતા દેશોમાંથી પાંચ મુસ્લિમ બહુમતીના દેશ

પૂરી દુનિયાની વાત કરવામાં આવે તો હિંદૂની આબાદીમાં 12 ટકાનો વધારો યો છે. એટલે કે હિંદુ આબાદી 110 કરોડથી વધીને 120 કરોડ થઈ છે. ખાસ કરીને મધ્ય-પૂર્વ-ઉત્તરી આફ્રિકામાં હિંદૂઓની આબાદી ઝડપથી વધી છે. ઉત્તરી અમેરિકામાં પણ હિંદુ વધ્યા છે. સર્વેમાં ટોપ-10 હિંદૂ આબાદી ધરાવતા દેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના અનુસાર ભારત અને નેપાળમાં સૌથી વધારે હિંદુ રહે છે. ત્રીજા નંબરે બંગલાદેશ છે જ્યાં કુલ આબાદીના 7.9 ટકા હિંદુ છે. ચોથા નંબરે પાકિસ્તાન (2.1 ટકા), પાંચમા નંબરે ઈન્ડોનેશિયા (1.6 ટકા), છઠ્ઠા નંબરે શ્રીલંકા (14.5 ટકા), સાતમા નંબરે અમેરિકા, આઠમું મલેશિયા, નવમું બ્રિટન અને 10મું યુએઈ છે. ટોપ-10 હિંદૂ આબાદી ધરાવતા દેશમાં પાંચ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ છે.

ઇ-પેપરના નવા શુલ્ક