• રવિવાર, 31 મે, 2026

ગીરના સિંહોના મોત હજી અકળ, ગિરનારના સિંહ સલામત

-8 સિંહના મોત પછી હજી પણ રિપોર્ટ આવ્યો નથી, બે દિવસમાં મોતનો નવો એક પણ કિસ્સો ન નોંધાયાનો દાવો

-વનવિસ્તાર અને રેવન્યૂ વિસ્તારમાં સઘન કાર્યવાહી

રાજકોટ, જૂનાગઢ તા. 30 : (ફૂલછાબ ન્યૂઝ) ગિરના જંગલમાં સિંહોના શંકાસ્પદ મોતના કારણ હજી જાહેર થયાં નથી. બેબેસિયા કે સીડીવી ક્યા વાયરસની અસરથી સિંહના મોત થયા તેની સત્તાવાર જાહેરાત હજી બાકી છે. જો કે છેલ્લા બે દિવસમાં સિંહના મોતનો બનાવ નોંધાયો નથી ઉપરાંત જૂનાગઢ ગિરનાર રેન્જના 41 સિંહ સુરક્ષિત છે તેવું પણ વન પ્રશાસને જાહેર કર્યું છે. જ્યાં સિંહના મોત થયાં તે પૂર્વ અને પશ્ચિમ ગિરમાં સઘન કાર્યવાહી થઈ રહી છે.

જૂનાગઢના ડી.સી. એફ. અક્ષય જોશીએ જણાવ્યું હતું કે ગિરનાર રેન્જ-ગિરનાર અભયારણ્યના 41 સિંહ-સિંહબાળ સલામત છે. અહીં કોઈ પણ મુશ્કેલી નથી. આગોતરાં પગલાંના ભાગ રૂપે વનતંત્રના કર્મચારીઓ દ્વારા સાત દિવસમાં સિંહોનું અવલોકન કરાયું હતું. દરરોજ આર.એફ.ઓ. સિંહના સ્વાસ્થ્યનો રિપોર્ટ મેળવે છે. સિંહોની ચામડી ઉપર જીવાત હોય તો તે દૂર કરવાની કાર્યવાહી- ડીકીટીંગ પણ કરવામાં આવી રહી છે.

આજે તા. 30 મે, 2026ના રોજ વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી સ્થિતિ મુજબ ગિરમાં છેલ્લા બે દિવસથી કોઈ પણ નવા સિંહ કે સિંહબાળનું મૃત્યુ નોંધાયું નથી. વન વિભાગ વારંવાર એવી જાહેરાત કરે છે કે બધું સુરક્ષિત છે પરંતુ સિંહના મોત શા કારણે થયાં તેની વિગત જાહેર થતી નથી. રિપોર્ટ લેબોરેટરીમાંથી ક્યારે આવશે તે જાહેર થતું નથી.

જામનગરમાં આવેલા રિલાયન્સના વન્યજીવ સંરક્ષણ કેન્દ્રના ખાસ તબીબો અને નિષ્ણાતોની ટીમ ગિરના સિંહોની વહારે આવી પહોંચી છે. તેઓ સ્થાનિક વેટરનરી ડોક્ટરો સાથે મળીને સિંહોની સારવાર કરી રહ્યા છે.

શંકાસ્પદ વાયરસથી સંક્રમિત સિંહોના સેમ્પલ તપાસ માટે ’ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર’ ખાતે મોકલવામાં આવ્યા છે. આ રિપોર્ટ આગામી 3 થી 4 દિવસમાં આવી જશે, જેનાથી સચોટ વાયરસની ઓળખ થઈ શકશે.

વાયરસના સંક્રમણની આશંકા વચ્ચે સુરક્ષાના પગલારૂપે  ચેપગ્રસ્ત સિંહોને આઈસોલેશનમાં (ક્વોરન્ટાઇન) રાખવામાં આવ્યા છે અને સાસણ લાયન હોસ્પિટલ ખાતે 24 કલાક તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે.

ચોમાસા અને ઉનાળાની શરૂઆતમાં ઇતરડીનો ઉપદ્રવ વધે છે, જે ‘બેબીસિયા’ જેવો જીવલેણ પરોપજીવી રોગ ફેલાવે છે. તેનાથી બચાવવા માટે વન વિભાગ દ્વારા જંગલ અને રેવન્યુ વિસ્તારના 350 થી વધુ સિંહોને ઇતરડીમુક્ત કરવાની અને વેક્સિનેશનની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસૂલી (જંગલ બહારના) વિસ્તારોમાં વિહરતા સિંહોની પણ રોજબરોજની હેલ્થ અપડેટ ટ્રેક કરવામાં આવી રહી છે. તંત્રના સત્તાવાર નિવેદન અનુસાર, વાયરસ ફેલાવવાનો કોઈ મોટો ખતરો નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક