• રવિવાર, 31 મે, 2026

વલાદર ગામે જમીનના વિવાદમાં પિતરાઈ ભાઈઓ વચ્ચે અથડામણ

હુમલો, હથિયારો સાથે આતંક અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

કોડીનાર, તા.30 : તાલુકાના વલાદર ગામે જમીનના ભાગબટાવાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પિતરાઈ ભાઈઓ વચ્ચે મારામારી અને ધમકીનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને લઈને ભગીરથાસિંહ કાથડભા ઝાલાએ પોતાના બે પિતરાઈ ભાઈઓ સામે કોડીનાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ફરિયાદ મુજબ, ગત 25મી તારીખની રાત્રે ભગીરથાસિંહ ઝાલાને તેમના કાકા નટુભા ઝાલાનો ફોન આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે દિલીપાસિંહ રામભા ઝાલા અને જયાસિંહ ઉર્ફે બાબાભાઈ ઝાલા હાથમાં છરી અને ધારીયા જેવા હથિયારો લઈને ડેરી પાસે ધમાલ મચાવી રહ્યા છે. આ જાણ થતાં ભગીરથાસિંહ સ્થળે પહોંચ્યા હતા અને બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. બંને શખસો ઉશ્કેરાઈ ગયા હતા અને ભગીરથાસિંહ પર હુમલો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. પોતાનો બચાવ કરવા તેઓ ઘરમાં જતા રહ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ ખુલ્લા હથિયારો સાથે આસપાસના વિસ્તારમાં આતંક મચાવ્યો હતો તેમજ અન્ય સગા-સંબંધીઓના ઘરો પાસે પણ હોબાળો કર્યો હતો. ઘટનાનો વીડિયો ભાગ્યરાજ ઝાલાએ પોતાના મોબાઇલમાં રેકોર્ડ કર્યો હોવાનું જણાવાયું છે. બાદમાં પરિવારજનો અને ગામ લોકો એકત્ર થતાં મામલો શાંત પડયો હતો. જોકે, આરોપીઓએ નટુભા ઝાલા, એભલાસિંહ ઝાલા અને ભગીરથાસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. કોડીનાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક