કેબિનેટે 23,731 કરોડ રૂપિયાના બજેટની ગોબરધન યોજનાને આપી મંજૂરી
નવી દિલ્હી, તા. 6 ઃ કેન્દ્રીય મંત્રીમંડળે દેશના પાયાના માળખા અને ઊર્જા ક્ષેત્રને સશક્ત બનાવવા માટે બે મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. જેમાં ભારતમાં બાયોગેસ ઉત્પાદન વધારવા માટે 23,731 કરોડ રૂપિયાના ભારે બજેટની ‘ગોબરધન યોજના’ને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સ મારફતે કેબિનેટ નિર્ણયોની જાણકારી આપી હતી. ગોબરધન યોજના હેઠળ સરકાર પોતે જ ગેસ ખરીદશે.
ગોબરધન યોજના 2026-27થી લઈને 2035-36 સુધી લાગુ કરવામાં આવશે. જેનો મુખ્ય હેતુ કંપ્રેસ્ડ બાયોગેસ (સીબીજી)ને ભારતના ભવિષ્યના ઊર્જા ક્ષેત્રનો મજબૂત હિસ્સો બનાવવાનો છે. આ યોજના હેઠળ ખેતરના અવશેષ, પશુઓના ગોબર, શેરડીનો કચરો, શહેરી લીલો કચરો અને અન્ય જૈવિક કચરાને સાફ ઈંધણ અને જૈવિક ખાધમાં બદલવામાં આવશે. જેનાથી ગ્રામીણ વિસ્તારમાં લોકોની આવક વધશે અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે. ગોબરધન યોજના હેઠળ સરકાર બાયોગેસ સેક્ટરને આગળ વધારવા માટે ઘણા મહત્વના પગલા ભરશે. જેના હેઠળ સરકારનું ધ્યાન ગેસની માગ અને યોગ્ય કિંમત નક્કી કરવાનું રહેશે. પ્લાન્ટ બનાવવામાં આર્થિક મદદ કરવામાં આવશે.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળે આસામમાં કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ગતિ આપવા 8970 કરોડ રૂપિયાની પડતરથી ગુવાહાટી-તેજપુર એનએચ-15 કોરિડોરના વિકાસને મંજૂરી આપી છે.