વડોદરા, નવસારીની મુલાકાતમાં રૂ. 35,200 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે
કેન્દ્રના 32,606 કરોડના, રાજ્ય સરકારના 2,597 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 7 ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ, તા. 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં રૂ. 35,200 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ફ્લેગ અૉફ કરશે. તેમાં રૂ. 32,606 કરોડથી વધુના કેન્દ્ર સરકારના તથા રૂ. 2,597 કરોડથી વધુના રાજ્ય સરકારના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. વડોદરા બાદ વડાપ્રધાન મોદી નવસારીની પણ મુલાકાત લેશે.
વડાપ્રધાનના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના વિકાસ કાર્યોમાં નેશનલ હાઈવેઝ અૉથોરિટી અૉફ ઈન્ડિયાના રૂ. 1,840.55 કરોડના પ્રોજેક્ટ્સ સામેલ છે.
એનએચએઆઈ હેઠળ ખાતમુહૂર્ત થનારા પ્રોજેક્ટ્સમાં એનએચ-48ના વડોદરા-સુરત સેક્શનમાં તાપી અને નર્મદા નદી પરના મુખ્ય પુલ સહિતના માળખાંનું રૂ. 907.39 કરોડના ખર્ચે નિર્માણકાર્ય, કામરેજ-ચલથાણ સેકશનના છ માર્ગીય કેરેજવેનું રૂ. 686.15 કરોડનું કામ તથા એનએચ-53 પર આભવા, મીંઢોળા અને ખજોદ જંકશન ખાતે ગ્રેડ સેપરેટેડ સ્ટ્રક્ચર્સનું રૂ. 187.11 કરોડના ખર્ચે નિર્માણકાર્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એનએચ-48 પર કંડારી ચોકડી અને લુવારા પાટિયા ખાતે રૂ. 59.90 કરોડના ખર્ચે નિર્મિત છ માર્ગીય ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવશે. ભારતીય રેલવે હેઠળ રૂ. 30,766 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે.
રુપિયા રૂ. 20,703 કરોડના ખર્ચે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ત્રણ વિભાગો સાથે જ, રૂ. 8,885 કરોડના ખર્ચે વડોદરા-રતલામ વચ્ચે 259 કિ.મી. લાંબા ત્રીજા અને ચોથા રેલવે ટ્રેકના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, અન્ય રેલવે લાઇનોના ગેજ કન્વર્ઝન અને ડબાલિંગના કામોનું લોકાર્પણ તેમજ વડોદરા-ટાંડા રોડ વચ્ચે નવી ટ્રેન અને ડબલ્યુડીએફસી પર માલગાડીનું ફ્લેગ અૉફ પણ કરવામાં આવશે.