ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના સમારોહનું દિલ્હીની બહાર ગુજરાતમાં આયોજન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આશરે 75 મિનિટના ભવ્ય સમારોહમાં કુલ 92 પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.7 ઃ નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-2024નો સમારોહ 22મી, સપ્ટેમ્બરે યોજાશે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના 70 વર્ષથી વધુના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હીની બહાર આ પ્રતિષ્ઠિત સમારોહનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે. ભારતીય સિનેમા જગતમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓને સન્માનિત કરતા આ રાષ્ટ્રીય સમારોહમાં કુલ 92 પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરાશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આશરે 75 મિનિટના ભવ્ય સમારોહમાં પુરસ્કારો એનાયત કરવામાં આવશે.
રાષ્ટ્રીય કક્ષાના આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ-બે એરિયા ખાતે જર્મન એલ્યુમિનિયમ સ્ટ્રક્ચરલ ડોમ તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમ સ્થળે અંદાજે 1,000 મહેમાનોની બેઠક ક્ષમતા સાથે જરૂરી માળખાકીય અને અન્ય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જેવા અતિ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમના આયોજન માટે નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યક્રમની વ્યવસ્થા, સુરક્ષા, પ્રોટોકોલ, મહાનુભાવોના આગમન-પ્રસ્થાન, સ્થળ વ્યવસ્થા તેમજ અન્ય આનુષંગિક તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિની ઉપસ્થિતિ, ભારતીય સિનેમા જગતની પ્રતિષ્ઠિત પ્રતિભાઓની હાજરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વૈશ્વિક ઓળખઆ ત્રણેયના સંગમથી કેવડિયામાં યોજાનાર આ સમારોહ યાદગાર અને ઐતિહાસિક બની રહેશે.