બોખીરાના રીલાયન્સ પેટ્રોલપંપ પાસે બનેલી ઘટનાના વીડિયો વાયરલ : ચાર શખ્સો સામે હત્યાની કોશિશનો ગુનો
પોરબંદર,તા.6:પોરબંદરમાં
જૂના મનદુ:ખને કારણે બે પિતરાઈ ભાઈ પર છરીથી હુમલો કરાતા ચકચાર મચી છે. બોખીરાના રીલાયન્સ
પેટ્રોલપંપ ખાતે બનેલી આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પોલીસે ચાર
શખ્સો સામે હત્યાની કોશિશ સહિતની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
જ્યુબેલી
વિસ્તારમાં હાથી કેમિકલ પાસે રહેતા 19 વર્ષીય રીધમ મુકેશ ચુડાસમાએ ઉદ્યોગનગર પોલીસમાં
ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ રીધમ અલ્પેશ સોલંકી સાથે સ્કૂટર પર પેટ્રોલ ભરાવવા
જઈ રહ્યો હતો. રસ્તામાં ચેતન રાઠોડ અને રેહાન નામના બે શખ્સોએ તેને જોઈને બોલાચાલી
કરી હતી. ત્યારબાદ સતીઆઈ મંદિર પાસે બંનેએ સ્કૂટર અટકાવી ગાળો આપી હતી.
આ બનાવની
જાણ રીધમે તેના પિતરાઈ ભાઈ મિલન ચુડાસમાને કરતાં મિલન પેટ્રોલપંપ પર પહોંચ્યો હતો.
ત્યાં ચેતન અને રેહાન ઉપરાંત સાહિલ તથા તેનો ભાઈ હાજર હતા. ફરિયાદ મુજબ રેહાન, સાહિલ
અને તેના ભાઈ પાસે છરી હતી. ચેતને રીધમને પકડી રાખ્યો હતો અને ત્રણેયે તેના પર છરીના
ઘા કર્યા હતા. બચાવવા વચ્ચે પડેલા મિલન પર પણ હ્નમલો કરાયો હતો.
રીધમને
સાથળમાં 25થી 30 ટાંકા આવ્યા છે, જ્યારે મિલનને 6થી 7 ટાંકા આવ્યા છે. આરોપીઓએ પોલીસ
ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.