• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

દ્વારકા જન્માષ્ટમી ઉત્સવ-2026 : ભીડનો લાભ લઈને ચોરી કરતી બે કુખ્યાત ટોળકી ઝડપાઇ

એસ.ઓ.જી. પોલીસની સરાહનીય કામગીરી :

15 શખસ પાસેથી રૂ. 1,86,810નો મુદ્દામાલ જપ્ત

ખંભાળિયા,તા.6:દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવ-2026 દરમ્યાન દેશ-વિદેશથી પધારેલા દર્શનાર્થીઓની ભારે ભીડનો લાભ લઈને નજર ચૂકવીને ચોરી કરતી અલગ-અલગ ચોર ટોળકીના 15 શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે. જિલ્લા પોલીસ વડા જયરાજાસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણા અને પીએસઆઈ સિંગખરીયાની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સોર્સનો ઉપયોગ કરીને જગત મંદિર તથા આસપાસના ભીડભાડવાળા વિસ્તારોમાંથી આ શંકાસ્પદ શખ્સોને પકડી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આ આરોપીઓ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે અને તેઓએ યાત્રિકોના ખિસ્સા તથા પર્સમાંથી રોકડ અને કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરવાની કબૂલાત આપી છે. પોલીસે આ તમામ સામે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઓપરેશન દરમિયાન પકડાયેલા 15 શંકાસ્પદ આરોપીઓમાં દિપક ઉર્ફે પમ્પો મનોજભાઈ દત્તાની, આશિષ મહેન્દ્ર દેશભ્રાતર, બિપિન ઉર્ફે દિપક ગોપાલ દતાનીયા, શનિ ઈશ્વર દતાની, રૂપેશ શંકર ઠાકોર, રાજેશ ગરીબદાસ દેવીપૂજક, રમણ વાડીલાલ દતાણી, દિપક રાજુ કંકોડીયા, રુદ્ર સુનિલ રાવલ, અજય હસું દંતાણી, હર્ષદકુમાર કાળુ મારૂ, કરણ ગોપાલ દાંતલિયા, કરણ ગાવિંદ દેવીપુત્ર, રવિ જગદીશ અને શનિ અશોક દંતાણીનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 71,310 તેમજ 14 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,86,810નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ગુજરાત પોલીસના ઇ-ગુજકોપ અને આઈ.સી.જે.એસ. પોર્ટલની મદદથી તપાસ કરતાં આ તમામ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ટ્રેનોમાં સામાન ચોરી, પાકીટમારી, ચેઇન સ્નાચિંગ, મારામારી અને પ્રોહીબિશન જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક