(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 3 : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ખોપી ગામે એક જાહેર સભામાં બોલતા પૂર્વ
સીએમ શંકરાસિંહ વાઘેલાએ વિવાદાસ્પદ નિવેદન કરતા જણાવ્યું હતું કે હું ઘણાં લોકોને કહું
છું કે જો મેલું ઉપાડવાની નોકરી કરવી હોય પછી
ભલે તમે વાણિયા, બ્રાહ્મણ કે પટેલ ગમે તે હોવ, મેલું ઉપાડવા બદલ મહિને 50 હજાર રૂપિયા
હું તમને આપીશ. તમે આ લોકોનું મેલું ઉપાડો અને તેઓ જે હાલતમાં રહે છે તે હાલતમાં રહી
જુઓ, ત્યારે ખબર પડશે કે તેઓ કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીની
આ ટિપ્પણી વિવાદનો વંટોળ સર્જાયો છે.
શંકરાસિંહ
વાઘેલાના આ નિવેદન સામે વળતા જવાબમાં બ્રહ્મસમાજના અગ્રણી અને ભાજપ નેતા યજ્ઞેશ દવેએ
આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, મારે બાપુને એ જ કહેવું છે કે આવા શુભ કાર્યોની
શરૂઆત તમે તમારી જાતથી જ કરો. તમે મારા ઘરનું મેલું ઉપાડો, હું તમને દર મહિને પાંચ
લાખ રૂપિયા આપીશ. સમુદાયો કે જ્ઞાતિઓ વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું અનુચિત છે.
બીજી
બાજુ રાજકોટના બ્રહ્મસમાજના અગ્રણી હિરેન જોષીએ જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી
જેવા જવાબદાર પદે રહી ચૂકેલી વ્યક્તિ આવું નિવેદન આપે તે અત્યંત અયોગ્ય છે. આ પ્રકારની
વાતોથી સમાજ વચ્ચે વર્ગવિગ્રહ અને આંતરવિગ્રહ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજકીય
નેતાઓ પોતાના રોટલા શેકવા સમાજ-સમાજ વચ્ચે લડાઈ કરાવી રહ્યા છે. જો આગામી 3 દિવસની
અંદર શંકરાસિંહ વાઘેલા જાહેરમાં માફી નહીં માંગે, તો સવર્ણ સમાજ દ્વારા આગામી વ્યૂહનીતિ
ઘડી તેમના નિવાસસ્થાન વસંત વગડો સામે દેખાવો કરવામાં આવશે.
ભાજપના
પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ બાપુના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. તેણે
કહ્યું કે, આ નિવેદન તેમની ઉંમર અને પરિપક્વતાની તદ્દન વિરુદ્ધ છે. પાટીદાર નેતા દિનેશ
બાંભણિયાએ કહ્યું કે, ચોક્કસ સમાજને ખુશ કરવા માટે જ આ પ્રકારની ટિપ્પણી કરાઈ છે. જો
શંકરાસિંહ વાઘેલા પોતે મેલું ઉપાડે, તો તેઓ માંગે એટલા રૂપિયા આપવા તૈયાર છે.