ચહલે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી પોતાના સ્વપ્ન અંગે જણાવ્યું
નવી
દિલ્હી, તા.2 : ભારતીય ટીમના અનુભવી લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ-ક્લાસ (રેડ-બોલ)
ક્રિકેટમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ
શેર કરતાં ચહલે જણાવ્યું કે, ભારત માટે ટેસ્ટ કેપ પહેરવાનું તેનું વર્ષો જૂનું સપનું
હતું જે હવે સાકાર થઈ શકે તેમ નથી.
ચહલે
72 વનડે અને 80 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જોકે, તે ભારત માટે ક્યારેય ટેસ્ટ ક્રિકેટ
રમી શક્યો નથી. તેણે ભારત તરફથી છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઓગસ્ટ 2023માં (ટી20) રમી
હતી. પોતાના નિવૃત્તિ પોસ્ટમાં ચહલે લખ્યું, મારા માટે રેડ-બોલ ક્રિકેટ ક્યારેય માત્ર
એક ફોર્મેટ નહોતું. આ જ ફોર્મેટે મને ધીરજ, પરિપક્વતા, પ્રતિકૂળ સંજોગો સામે લડવાની
ક્ષમતા અને કલાકો સુધી મેદાન પર પરસેવો પાડીને પ્રત્યેક રન કે વિકેટ માટે સંઘર્ષ કરવાનો
સાચો આનંદ શીખવ્યો છે. મેં મારી છેલ્લી ફર્સ્ટ-ક્લાસ મેચ લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન
પર રમી. ભારતની ટેસ્ટ કેપ પહેરવાનું સપનું મેં વર્ષો સુધી સાચવી રાખ્યું હતું અને આજે
એ સ્વીકારવું ભાવુક કરી દેનારું છે કે એ સપનું હવે પૂરું નહીં થાય. છતાં, હું મારી
આ સફરથી સંપૂર્ણ સંતુષ્ટ છું અને આ ફોર્મેટમાં મળેલી દરેક તક માટે આભારી છું. મારામાં
દેશ માટે રમવાની ભૂખ હજુ પણ અકબંધ છે. મારું માનવું છે કે મારામાં ઘણું ક્રિકેટ બાકી
છે. વનડે અને ટી20 ફોર્મેટમાં ભારત માટે ફરી રમવાની તક મેળવવા માટે હું મારી પૂરી તાકાત
લગાવી દઈશ.
નોંધનીય
છે કે, ચહલે 2009માં હરિયાણા તરફથી પોતાની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીનો પ્રારંભ કર્યો
હતો. 15 વર્ષથી વધુ લાંબી કારકિર્દીમાં તેણે 49 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 32.27ની સરેરાશથી
કુલ 148 વિકેટ ઝડપી છે. રેડ-બોલ ક્રિકેટમાં ચહલ હરિયાણાની ટીમમાં નિયમિત સ્થાન જાળવી
શક્યો નહોતો; રણજી ટ્રોફીમાં છેલ્લે 2016-17ની સીઝનમાં તેણે બે કરતાં વધુ મેચ રમી હતી,
જેમાં તેણે 7 મેચમાં 22.60ની ઉત્કૃષ્ટ સરેરાશથી 33 વિકેટ ખેરવી હતી.