• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

ભારતમાં પેટ્રોલ-ડીઝલ દુબઈથી પણ સસ્તાં !

-દુબઈમાં સ્પેશિયલ 95 પેટ્રોલના 4.28 દિરહમ એટલે કે 110.04, દિલ્હીમાં લિટરની કિંમત 102.12 રૂપિયા: ડીઝલમાં સૌથી વધારે ફરક

નવી દિલ્હી, તા. 22 : એક ચોંકાવનારા અહેવાલ અનુસાર ભારતમાં પેટ્રોલ અને ડીઝલ દુબઈ કરતા પણ સસ્તું છે. સામાન્ય રીતે ધારણા હોય છે કે ખાડી દેશો, ખાસ કરીને દુબઈમાં ઇંધણ ખૂબ જ સસ્તું મળે છે, જો કે ઓક્ટોબર 2026થી આ ધારણા બદલાઈ છે. આ તુલના એવા સમયે થઈ રહી છે જ્યારે યુએઈએ ઓક્ટોબર માટે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે અને નવી કિંમત પહેલી ઓક્ટોબરથી લાગુ થઈ છે. જાણકારી અનુસાર ડીઝલમાં સૌથી વધારે ફરક જોવા મળી રહ્યો છે.

હિસાબ અનુસાર દિલ્હીમાં પેટ્રોલની કિંમત 102.12 રૂપિયા પ્રતિલિટર અને નોઈડામાં 101.96 રૂપિયા પ્રતિલિટર છે. જેની તુલનાએ દુબઈનું સ્પેશિયલ 95 પેટ્રોલ 4.28 દિરહમ પ્રતિલિટર છે. વર્તમાન એક્સચેન્જ રેટ (લગભગ 25.71 રૂપિયા પ્રતિ દિરહમ) ઉપર આ રકમ અંદાજિત 110.04 રૂપિયા બરાબર બને છે. જેનાં કારણે દિલ્હીમાં પેટ્રોલ દુબઈના સ્પેશિયલ 95 ગ્રેડથી અંદાજિત આઠ રૂપિયા સસ્તું છે. દુબઈનું સૌથી સસ્તું પેટ્રોલ ઇ-પ્લસ 94 પણ 4.21 દિરહમનું છે. જેના 108.24 રૂપિયા થાય છે જ્યારે પ્રીમિયર સુપર 98 પેટ્રોલની કિંમત 4.40 દિરહમ એટલે કે 113.12 રૂપિયા પ્રતિલિટર છે.

જો કે પૂરા ભારતમાં પેટ્રોલ સસ્તું નથી. રાજ્યના અલગ અલગ ટેક્સ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચના કારણે શહેરોની કિંમતમાં ભારે અંતર રહે છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 111.21 રૂપિયા, કોલકાતામાં 113.51 રૂપિયા, ચેન્નઈમાં 107.76 રૂપિયા અને હૈદરાબાદમાં 116.15 રૂપિયા છે. ડીઝલની કિંમતમાં સૌથી વધારે ફરક છે. દુબઈમાં ડીઝલ 4.80 દિરહમ એટલે કે 123.41 રૂપિયા બરાબર છે જ્યારે દિલ્હીમાં ડીઝલની કિંમત 95.20 રૂપિયા અને નોઇડામાં 95.44 રૂપિયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક