• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

સ્મિથે ટેસ્ટમાં પુરા કર્યા 11 હજાર રન

દ્રવિડ અને જેક કાલિસને પાછળ છોડયા : સચિનનો રેકોર્ડ બચ્યો

નવી દિલ્હી, તા. 21 : દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજો ટેસ્ટ મેચ રમાઈ રહ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાની હાલત ખરાબ થઈ હતી અને ફોલોઓન કરવા મજબૂર થવું પડયું હતું. જો કે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથે પહેલી ઈનિંગમાં 88 બોલનો સામનો કરીને 28 રન જોડયા હતા. સ્મિથે ઈનિંગનો 28મો રન કરતા જ ટેસ્ટ ક્રિકેટમાં 11,000 રન પુરા કર્યા હતા. સ્મિથ 11 હજાર કે તેનાથી વધારે રન પુરા કરનારો ઓસ્ટ્રેલિયાનો ત્રીજો અને દુનિયાનો 12મો ક્રિકેટર બન્યો છે.

સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટના હિસાબે સૌથી ઝડપી 11 હજાર રન પુરા કરનારા ખેલાડીની યાદીમાં પાંચમા સ્થાને પહોંચ્યો છે. તેણે 226 ઈનિંગમાં 11 હજાર રન પુરા કર્યા છે. સ્મિથે આ મામલે રાહુલ દ્રવિડ અને જેક કાલિસને પાછળ છોડયા છે. જ્યારે સચિનનો રેકોર્ડ બચી ગયો છે. આ યાદીમાં કુમાર સંગાકારા સૌથી ઉપર છે. તેણે 208 ઈનિંગમાં 11 હજાર રન પુરા કર્યા હતા. ત્યારબાદ બ્રાયન લારા અને રિકી પોન્ટિંગનું નામ યાદીમાં છે. સ્મિથ આ યાદીમાં પાંચમા સ્થાને છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક