• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

ગેબર્હા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની ઓસ્ટ્રેલિયા સામે એક ઇનિંગ્સ, 31 રનથી ઐતિહાસિક જીત

ત્રણ મેચની સિરીઝ 1-1થી સરભર, ફોલોઓન રમતા ઓસ્ટ્રેલિયા ટીમ બીજા દાવમાં પણ 295 રન જ બનાવી શકી

નવી દિલ્હી, તા.22: ગેબર્હા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની ઓસ્ટ્રેલિયા સામે એક ઇનિંગ્સ અને 31 રનથી જીત થઈ છે. સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચના શરૂઆતના બે દિવસ મોટાભાગે વરસાદમાં ધોવાઈ ગયા બાદ અને પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 110 રનમાં 6 વિકેટ ગુમાવી ચૂકી હતી ત્યારે કદાચ કોઈએ પણ આફ્રિકાની ટીમના આવા વિરાટ વિજયની કલ્પના કરી નહોતી. પરંતુ કેપ્ટન તેમ્બા બવુમાની 179 રનની કારકિર્દીની કેપ્ટનશીપ ઇનિંગ્સ, માર્કો યાન્સેન અને સિમોન હાર્મરના લોઅર-ઓર્ડર ડિફેંસે સમગ્ર મેચનું પાસું પલટી નાખ્યું હતું. બેટ્સમેનો માટે લો-બાઉન્સ અને સીમ મૂવમેન્ટવાળી મુશ્કેલ પિચનો દક્ષિણ આફ્રિકાના બોલરોએ ખુબ ફાયદો ઉઠાવ્યો હતો.

પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાએ 425 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. ત્યારબાદ આફ્રિકાના પેસ આક્રમણ સામે કાંગારૂ ટીમ માત્ર 42.3 ઓવરમાં 99 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટપોટપ વિકેટો પડયા બાદ ઓસ્ટ્રેલિયા પર ફોલોઓન લાદવા આવ્યું હતું.

 ફોલોઓન બાદ બીજા દાવમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી ઓપનર ટ્રેવિસ હેડે 190 બોલમાં 15 ચોગ્ગા સાથે 121 રનની શાનદાર લડાયક સદી ફટકારી હતી. નાઇટવોચમેન સ્કોટ બોલેન્ડે 166 બોલનો સામનો કરી 40 રન બનાવી, માર્નસ લાબુશેને 39 અને એલેક્સ કેરીએ અણનમ 37 રન બનાવી હેડનો સાથ આપ્યો હતો. પરંતુ અન્ય બેટ્સમેનો પ્રોટીઝ આક્રમણ સામે ટકી શક્યા નહોતા. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ ઇનિંગ્સ અને 31 રનથી ભવ્ય વિજય નોંધાવી ટેસ્ટ શ્રેણીમાં શાનદાર વાપસી કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક