રાજ્યના
પરિવહનની જૂની મથરાવટી બદલાઈ રહી છે. એસટીની બસ સેવા નવા સોપાન સર કરે છે. સતત વધતા
ટ્રાફિક, વધી રહેલા પ્રદૂષણની સામે સામૂહિક પરિવહન એક મોટો ઉપાય છે. વર્ષોથી એસટી તંત્ર
પોતાની સેવાને સલામત સવારી હોવાનો દાવો કરી રહ્યું છે પરંતુ તેની બસોની ગુણવત્તા, સ્થિતિ
હંમેશા ચર્ચામાં રહ્યા. મધ્યમ વર્ગ પણ ધીમે ધીમે એસટીની મુસાફરીમાંથી દૂર થયો. વિદ્યાર્થીઓ,
ગ્રામ્ય વિસ્તારના માણસો કે વ્યવસાય-નોકરી અર્થે અપ-ડાઉન કરતા મુસાફરોથી બસો ભરાતી.
અલબત્ત લોકમેળો, શિવરાત્રી પર્વ જેવા ઉત્સવોમાં તો બસ ચિક્કાર જ હોય પરંતુ સ્હેજ પણ
સાનુકૂળતા અને સવલત ઈચ્છતા લોકો નિજી વાહન અથવા ખાનગી ટ્રાવેલ્સની બસો તરફ વળ્યા.
ગુજરાતમાં
પ્રાઈવેટ ટ્રાવેલ્સનું સામ્રાજ્ય ઘણું વિસ્તરી ગયું અને તેમાં પણ સતત આધુનિક ટેક્નોલોજીવાળી
બસો ઉમેરાતી ગઈ. લાંબી મુસાફરીથી લઈને સૌરાષ્ટ્રના શહેરોની વચ્ચે પણ સ્લીપીંગ કોચ જેવી
સેવા શરૂ થઈ. એક મોટો અરસો એવો રહ્યો કે એસટીની બસનો ઉપયોગ ઘટયો. પરંતુ રાજ્ય સરકાર
અને એસ.ટી. પ્રશાસન સમયની માંગને પારખી ગયા. પ્રાઈવેટ ટ્રાવેલ્સ જેવી જ આધુનિક બસના
રૂટ શરૂ થયા. હવે તે દિશામાં તંત્ર મક્કમ રીતે આગળ વધી રહ્યું છે. રાજકોટથી અમદાવાદ
વચ્ચે આધુનિક લક્ઝરી બસ શરૂ થયા પછી ભૂજના રૂટ પર પણ આ બસ શરૂ થઈ છે. રાજકોટથી રાજસ્થાન
જવાવાળા પ્રવાસીઓ અને યાત્રીઓને ધ્યાને રાખીને હવે નાથદ્વારાની બસ પણ શરૂ થઈ છે. નાથદ્વારા
જવાવાળા લોકોની સંખ્યા ફક્ત વેકેશનમાં જ વધારે હોય તેવું નથી. પૂનમ ભરવા પણ હજારો લોકો
જાય છે. આધુનિક બસ સેવા શરૂ થતાં તે સૌને ઘણી સાનુકૂળતા રહેશે. એસ.ટી.ની બસ એટલે ખખડધજ,
કાચમાંથી ઠંડી આવે કે વરસાદનું પાણી ટપકે તેવી વર્ષો જૂની છાપ રહી છે, હવે તેમાંથી
એસટી તંત્ર બહાર આવી રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે.
જો કે
હજી ઘણી જૂની બસો દોડે છે તેની સ્થિતિ સુધરવી જરૂરી છે. મુસાફરોની સૌથી મોટી ફરિયાદ
તો એ છે કે કોઈ નેતાની જાહેરસભા, રાજકીય સંમેલનો વખતે મોટી સંખ્યામાં જ્યારે બસ લઈ
લેવાય છે ત્યારે વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરો પરેશાન થાય છે. એસટી બસ સ્ટેન્ડ પણ
હવે તો બસપોર્ટમાં પરિવર્તિત થઈ રહ્યા છે. એક જૂનું ચિત્ર ભૂંસાઈ રહ્યું છે, નવી દિશા
એસટી બસ સેવા માટે ઊઘડી રહી છે.