• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

અફ્રિદી-નસીમની કાતિલ બોલિંગ : આફ્રિકા સામેના વન ડેમાં પાક.નો 81 રને વિજય

3 મેચની શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી ગજવે કરી

કેપટાઉન, તા.20: બેટધરોના શાનદાર દેખાવ પછી બોલરોના ઘાતક દેખાવથી દ. આફ્રિકા વિરુદ્ધના બીજા વન ડે મેચમાં પાકિસ્તાનનો 81 રને ભવ્ય વિજય થયો હતો અને 3 મેચની શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી ગજવે કરી લીધી હતી. પાકિસ્તાનના 49.પ  ઓવરમાં 329 રનના જવાબમાં દ. આફ્રિકી ટીમ 43.1 ઓવરમાં 248 રને ઓલઆઉટ થઇ હતી. પાક. તરફથી ઝડપી બોલર જોડી શાહિન અફ્રિદીએ 4 અને નસીમ શાહે 3 વિકેટ લીધી હતી.

પાકિસ્તાન તરફથી કપ્તાન મોહમ્મદ રિઝવાને 80 રનની સર્વાધિક ઇનિંગ 7 ચોક્કા-3 છક્કાથી 82 દડામાં રમી હતી. જયારે બાબર આઝમે 9પ દડામાં 7 ચોક્કાથી 73 રન કર્યાં હતા. બાબરને મે મહિના પછી આ પહેલી અર્ધસદી છે. જ્યારે વન ડે ફોર્મેટમાં 13 મહિના પછી છે.  કામરાન ગુલામે ફક્ત 32 દડામાં 4 ચોક્કા-પ છક્કાથી 63 રનની આતશી ઇનિંગ રમી હતી. પાક. ટીમ એક દડા પહેલા ઓલઆઉટ હતી અને 329 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. આફ્રિકા તરફથી વેના મફાકાએ 72 રનમાં 4 અને માર્કો યાનસને 71 રનમાં 3 વિકેટ લીધી હતી.

330 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા આફ્રિકા તરફથી એકમાત્ર હેનરિક કલાસેને પાક. બોલરોનો સામનો કરીને 74 દડામાં 8 ચોક્કા-4 છક્કાથી 97 રનની સાહસિક ઇનિંગ રમી હતી. કપ્તાન બાવૂમા 12, ટોની ડિ’જોર્જી 34, રાસી વાન ડૂસેન 23, એડન માર્કરમ 21 અને ડેવિડ મીલર 29 રને આઉટ થયા હતા. આફ્રિકી ટીમ 248 રને ઓલઆઉટ થઇ હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક