• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

રાષ્ટ્રીય વ્યક્તિત્વ પર રાજકીય ઘમસાણ

સંસદના સત્રની શરૂઆત થઈ ત્યારથી કોઈને કોઈ મુદ્દે ગૃહો ગાજતાં રહ્યાં છે. લોકલક્ષી-રાષ્ટ્રાભિમુખ ચર્ચાને બદલે અન્ય ચર્ચા જ થઈ રહી છે. બે દિવસથી હવે ડો. બાબા સાહેબ આંબેડર વિશે ગૃહમંત્રી અમિત શાહે કરેલાં નિવેદનને વિપક્ષોએ મુદ્દો બનાવ્યો છે. અમિત શાહ શું બોલ્યા, તેનું શું અર્થઘટન થયું અને સંસદની અંદર અને બહાર શું ઉગ્ર ચર્ચા કે દેખાવ થયા તે બધી વાતો કરતાં સૌથી મહત્વની વાત એ છે કે ડો. આંબેડકર છીછરી રાજનીતિ માટેનું સાધન બનાવવામાં આવી રહ્યા છે. જેમણે વિશ્વના સૌથી મોટા ગણતંત્રના બંધારણના નિર્માણમાં ચાવીરુપ યોગદાન આપ્યું તેમના જ નામે સામસામે આક્ષેપો થઈ રહ્યા છે- સંસદીય ગૃહમાં.

ડો. આંબેડકર સમૂહ વિશેષ માટે આદરણીય છે પરંતુ તેઓ પોતે સંકિર્ણ નહોતા. વંચિત-શોષિત વર્ગ માટે તેમને પક્ષપાત નહોતો પરંતુ પીડ પરાઈ જાણે રે...તે પંક્તિ અનુસાર તેઓ એ પીડામાંથી પસાર થયા, તે પીડાને પામ્યા હતા. આ વ્યક્તિત્વના અમુક જ હિસ્સાનો વારંવાર રાજકીય પક્ષોએ દુરુપયોગ કર્યો છે. આ કિસ્સામાં પણ એવું થઈ રહ્યું હોવાનું દેખાય છે. ગૃહમંત્રીએ કહ્યું, આંબેડકર...આંબેડકર..કરનારાઓએ આ રીતે ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી ગયું હોત. વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે પરંતુ અહેવાલ તો એ છે કે અમિત શાહના વક્તવ્યમાંથી 12 સેકન્ડ પસંદ કરીને તે વાયરલ કરાઈ છે.

કોંગ્રેસ આ મુદ્દાને જકડી રહી છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ પણ નગરો-મહાનગરોમાં આ વાત લઈ જઈ રહી છે. સામે ગૃહમંત્રી શાહ અને ભાજપના અન્ય નેતાઓ સતત કહી રહ્યા છે કે આંબેડકરને ભારત રત્ન આપવામાં વિલંબ કરવાથી લઈને અનેક મુદ્દે કોંગ્રેસ તેઓને અન્યાય કરતી આવી છે, કોંગ્રેસ તેમની વિરોધી હતી. બન્ને પક્ષે સજ્જડ દલીલો છે. કોંગ્રેસનો દૃષ્ટિકોણ સાચો હોય કે ખોટો પરંતુ જો એક વાર તે મુદ્દો ચાલી જાય તો ભાજપને મુશ્કેલી તો પડે તે સૌ જાણે છે. અલબત્ત, ભાજપની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી, જ્યાં રાજ્યોમાં છે ત્યાં પણ તેમણે ડો. આંબેડકરનું માહાત્મ્ય જાળવવા પ્રયાસ તો કર્યા છે.

ગાંધીજી સત્ય, અહિંસા, અસ્તેય જેવા મૂલ્યો-વ્રતોના પ્રતીક છે અને તેમની પ્રતિભા આજે પણ વિશ્વને આકર્ષી રહી છે તેવી રીતે ડો. આંબેડકર બંધારણ, સમાનાધિકાર તથા માનવીય ગરિમાના પ્રતીક છે. તેમના વિશે ચર્ચા થઈ શકે પરંતુ તેમની પ્રતિભા-યોગદાનનો રાજકીય દુરુપયોગ તો સૌએ ટાળવો જ રહ્યો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક