શનિવારે
કઝાનમાં એક પછી એક 8 સ્યૂસાઇડ ડ્રોન ત્રાટક્યા, 6 ઊંચી ઈમારતો સાથે ટક્કર, એરપોર્ટ
બંધ કરાયાં, જાનહાનીની વિગતો સામે આવી નથી : ટ્રમ્પની અસર ? યુદ્ધના અંતની સંભાવના
વચ્ચે બન્ને દેશે હુમલા વધાર્યા
મોસ્કો/કીવ,
તા.ર1 : રશિયાએ શુક્રવારે રાત્રે કરેલા ભીષણ ડ્રોન-મિસાઇલ હુમલાના જવાબમાં યુક્રેને
શનિવારે રશિયા ઉપર અમેરિકામાં વર્ષ ર001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર વિમાનોથી થયેલા
9/11 જેવો હુમલો કર્યો છે. યુક્રેનના 8 કિલર ડ્રોને કઝાન શહેરમાં 6 ઊંચી રહેણાક ઈમારતો
સાથે ટકરાઈને આત્મઘાતી હુમલો કર્યો હતો. અગાઉ એવા અહેવાલ હતા કે યુક્રેને 3 ડ્રોન હુમલા
કર્યા છે પરંતુ કઝાન શહેરના ગર્વનરે જાહેર કર્યું કે 8 હુમલા થયા છે અને ઊંચી ઈમારતોને
નિશાન બનાવાઈ છે. આ હુમલામાં જાનહાની અંગેના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. હુમલો રાજધાની
મોસ્કોથી 7ર0 કિમી દૂર સ્થિત કઝાન શહેર પર થયો છે. છેલ્લા 4 મહિનામાં યુક્રેને બીજીવાર
9/11 જેવો હુમલો કર્યો છે.
રશિયા
અને યુક્રેન યુદ્ધને 3 વર્ષ પૂરા થવામાં છે. વ્લોદિમીર જેલેન્સ્કીનાં નેતૃત્વમાં યુક્રેની
સૈન્ય રશિયાને એક પછી એક ઘા આપી રહ્યું છે. યુક્રેનના સફળ ડ્રોન હુમલાએ રશિયાની એર
ડિફેન્સ સિસ્ટમની અસરકારકતાની પોલ ખોલી નાખી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હુમલા માટે
યુક્રેને કામિકેઝ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. હુમલાના કેટલાક વીડિયો સામે આવ્યા છે જેણે
અમેરિકા ઉપર થયેલા 9/11 આતંકી હુમલાની યાદ અપાવી હતી. એક પછી એક ડ્રોન ઊંચી ઈમારત સાથે
અથડાય છે અને જોરદાર વિસ્ફોટ થાય છે. આગની જવાળાઓ ઉઠતી દેખાય છે. ભીષણ ડ્રોન હુમલાને
પગલે કઝાનના બે એરપોર્ટને તાકીદે બંધ કરી તમામ ઉડાનો રોકી દેવામાં આવી હતી. રશિયાએ
શુક્રવારે રાત્રે કીવ સહિત યુક્રેનનાં અનેક શહેરોને નિશાન બનાવી 60 જેટલા ડ્રોન અને
મિસાઇલથી હુમલો કર્યાની આ જવાબી કાર્યવાહી માનવામાં આવે છે. રશિયાએ કીવને તો યુક્રેને
કુર્સ્કને નિશાન બનાવ્યું છે. રશિયાના હુમલામાં 6 યુક્રેની નાગરિકનાં મૃત્યુ થયાં હતાં.
અમેરિકામાં
રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તારુઢ થયા બાદ યુદ્ધનો અંત આવે તેવી સંભાવના વચ્ચે
રશિયા અને યુક્રેને અચાનક એકબીજા ઉપર હુમલા વધારી નાખ્યા છે. યુક્રેને રશિયાને કારમો
ઘા આપતાં તાજેતરમાં વિસ્ફોટકથી તેના ન્યુક્લિયર ચીફની હત્યા કરી નાંખી હતી. આ હુમલાના
આઘાતથી રશિયા હજુ ઉભર્યું ન હતું ત્યાં શનિવારે એક પછી એક 8 યુક્રેની સ્યૂસાઇડ ડ્રોન
કઝાન શહેરમાં ત્રાટક્યા હતા.