વિક્રમ સંવતનું વધુ એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. નવા વર્ષના ઉત્સાહ, ઉમંગની લાલિમા ક્ષિતિજ ઉપર છે. સુખનો સૂર્યોદય પૃથ્વી ઉપર વસતા દરેક મનુષ્યનું સ્વપ્ન છે. નવું વર્ષ નવું ક્યારે બને? આપણે આ વર્ષે સૌહાર્દ, સમતા, સમાનતાના સૂર્યોદયની પણ અપેક્ષા રાખીએ અને તેના માટે સંકલ્પબદ્ધ થઈએ. નવું વર્ષ ખરેખર નવું બની રહેવું જોઈએ. જૂના વૈચારિક બંધન, જૂના માનસિક તણાવ, જૂના દ્વંદ્વોથી આપણે મુક્ત થઈએ. ખુલ્લાપણામાં શ્વાસ લઈએ તે ખરું નવું વર્ષ છે. આ નવું વર્ષ, આમ તો આપણા માટે ઉત્સવ છે. આપણા તમામ વ્યવહારો તો વૈશ્વિક કેલેન્ડર અનુસાર અને નાણાકીય વર્ષ અનુસાર ચાલે છે. આજે આપણે સાલ મુબારક કહેશું, જે ઉર્દૂ શબ્દ છે. પહેલી જાન્યુઆરીએ હેપી ન્યૂ યર કહેશું. આપણું સાંસ્કૃતિક કેલેન્ડર એ નથી. પરંતુ અહીં જ ભારતીય સંસ્કૃતિની, પરંપરાની એક ઉજળી બાજુ જોઈ શકાય છે. આપણે સર્વસમાવેશક સંસ્કૃતિના વારસ છીએ. તિથિઓ મુજબ વ્યવહાર નથી ચાલતા પરંતુ ઉત્સવો ભરપૂર ઉજવાય છે.
આપણને
તો ઋગ્વેદ શીખવે છે,
आ नो
भद्राः क्रतवो यन्तु विश्वतोऽदब्धासो अपरितासउद्भिदः ।
देवा
नो यथा सदमिद् वृधे असन्नप्रायुवो रक्षितारो दिवे दिवे ।।
જગતની
સર્વ દિશાઓમાંથી અમને શુભવિચારો પ્રાપ્ત થાઓ. તિથિ તારીખની વાત તો તદ્દન સાધારણ અને
સપાટી ઉપરની છે. વાસ્તવમાં નવું વર્ષ ત્યારે કહેવાય જ્યારે આપણે જૂનું- ત્યજવા યોગ્ય
હોય તે જૂનું ત્યજીએ. સમગ્ર પ્રકૃતિ પળે પળે પરિવર્તન પામે છે. જૂના પાંદડાં ખરી જાય
અને નવા આવે છે. માનવી જ જૂના ઝગડા, જૂની અદાવત જીવંત રાખીને જીવે છે. દિવાળી પૂર્વે
જેમ નકામી ચીજો આપણે ઘરની બહાર કાઢી હતી તેમ નકામા વિચારો વર્ષના અંતિમ દિવસે નીકળી
જાય તો નવું વર્ષ સાર્થક છે. ગ્રહો, ઉપગ્રહો અંતરીક્ષમાં તરે છે આપણા પૂર્વગ્રહો છોડવાના
કેટલા ટાણા આપણે ખોયાં, હવે તે પૂર્વગ્રહો છૂટે તે જરૂરી છે.
સ્વની
અને વિશ્વની જૂની સમસ્યાઓનો અંત આવે તો નવું વર્ષ છે. વિકાસ થઈ રહ્યો છે. દેશ નવી દિશાઓમાં
પ્રગતિ કરી રહ્યો છે. માળખાકીય સુવિધાઓથી લઈને શિક્ષણ સુધીના ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન
આવી રહ્યાં છે. વિશ્વની મહાસત્તાઓએ ભારતની મહત્તા સ્વીકારવી પડી છે. પાડોશી દેશના આંતકવાદ
અને અમેરિકાના ટેરિફકાર્ડના પડકારો સામે ઝઝૂમવાનું છે.
રાષ્ટ્રની
આર્થિક સમૃદ્ધિ કે સામર્થ્યમાં પ્રજાનું યોગદાન, વિશેષત: વેપારી વર્ગનું પ્રદાન વધે
તો આવા પડકારોને પણ પહોંચી વળાશે. સંરક્ષણ ક્ષેત્રે ભારત અપૂર્વ રીતે મજબૂત બન્યું
છે. શત્રુઓના પ્રહાર પછી સંગીન પ્રતિપ્રહાર ભારત કરી શકે છે તે આપણે 1971માં જોયું
હતું, મે 2025માં પણ જોયું. આદર્શ ઈચ્છા તો એ છે કે યુદ્ધો વિરામ પામે પરંતુ તે શક્ય
નથી. યુદ્ધ, આતંકવાદના મૂળમાં રહેલી વર્ગભેદ, આર્થિક અસમાનતા અને ધર્માંધતા જેવી સમસ્યાઓનો
અંત આવે તો નવું વર્ષ નવું છે. વત્રો જ નહીં વિચાર બદલાય, રંગભેદ, વર્ણભેદ ભૂલાય તો
નવું વર્ષ છે. રાષ્ટ્રનિર્માણ માટે સમાજોત્થાન પણ આવશ્યક છે. આર્થિક, ભૌતિક પ્રગતિ અનિવાર્ય છે સાથે જ સામાજિક
પ્રગતિ, માનસિક શાંતિ સ્થપાય તો નવું વર્ષ છે. વિક્રમ સંવંત 2082ના આરંભે એટલી પ્રાર્થના
કે ગયું વર્ષ ભલે ગમે તેવું ગયું હોય. આગામી વર્ષ આપણને ગમે તેવું જાય.