• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

લોહીથી ખરડાયો દીપોત્સવ

ગુજરાતમાં દિવાળીના તહેવારમાં આ વર્ષે ફટાકડાના અવાજની સાથે હત્યાનો હજાકાર પણ ગાજ્યો. રાજ્યમાં દસથી વધારે ખૂન થયા. રાજકોટમાં છ દિવસમાં પાંચ હત્યા થઈ. અમદાવાદ, સૂરત, ભાવનગરમાં પણ માણસો રહેંસાયા, વેતરાયા. માણસને મારવાનું આટલું સહેલું થઈ પડયું? એવો સવાલ ઉઠે. એક સમય હતો જ્યારે માણસની હત્યા બહુ મોટી અને નોંધપાત્ર ઘટના ગણાતી હવે દરરોજ આવું બને છે. હત્યાના કારણો પણ જુઓ તો કેવાં નજીવા!

કાળી ચૌદસની રાત્રે રાજકોટમાં ખૂની ખેલ ખેલાયો. ગણતરીની મિનિટોમાં એક સાથે ત્રણ-ત્રણ હત્યા થઈ ગઈ! કારણ શું? વાહન પાર્ક કરવા બાબતે ઝઘડો થયો, કાર વાહનને અથડાઈ ગઈ. બે સગા ભાઈ ઉપર હુમલો થયો, ઘટના સ્થળે બન્ને મૃત્યુ પામ્યા અને હુમલો કરનારનું પણ સારવારમાં મૃત્યુ થયું. ભાવનગર, સુરતમાં પણ હત્યાની ઘટનાઓ બની. તહેવાર પૂર્ણ થતા હતા ત્યાં જ રાજકોટના કુવાડવા પાસેના સણોસરા ગામે દીકરા-દીકરીએ માનસિક રીતે અસ્થિર પિતાની હત્યા કરી.

હત્યાના આ બનાવો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી કંગાળ છે, પોલીસનો કોઈ ડર કોઈને નથી તે વાત તો છતી કરે છે જ. સામાન્ય માણસો-વેપારીઓ ઉપર રોફ જમાવતી પોલીસ ગંભીર ગુના રોકી શકતી નથી તે ચિત્ર સ્પષ્ટ છે. પરંતુ આવી ઘટનાઓ સામાજિક પરિસ્થિતિનો પણ અરીસો છે. લોકોની સહિષ્ણુતા કેટલી ઓછી થઈ ગઈ છે, સાવ સામાન્ય બાબતમાં પણ માણસ હત્યા સુધી પહોંચી જાય, સોરી હવે નહીં થાય તેટલું કહીને વાત પૂર્ણ કરી દેવાની હોય તેવી બાબતમાં સામસામે છરીઓ ખેંચાઈ જાય તે લોકોની બદલાતી માનસિકતા છતી કરે  છે. પરિવર્તનશીલ જીવનશૈલી, માધ્યમો સહિતની બાબતોને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે પરંતુ આ સ્થિતિનું કોઈ નક્કર કારણ નથી.

પોલીસની ભૂમિકા તો અગત્યની છે જ સાથે સામાજિક સંસ્થાઓ, વિશેષત: શિક્ષણ સંસ્થાઓ, કેળવણીકારો સહિતના અગ્રણીઓની જાગૃતિ પણ જરુરી છે. લાખો રુપિયાની ફી વસૂલતી સ્કૂલ કોલેજોએ કેવું શિક્ષણ આપ્યું, સારા ડોક્ટર્સ, એન્જિનિયર્સ તૈયાર કરનાર સંસ્થાનો કેમ સારા માણસ તૈયાર કરવામાં ચૂકી રહી છે તે પણ મનોમંથનનો વિષય છે. પર્વ રક્તરંજિત બન્યું તે દુ:ખદ છે, સમાજનું આખું માળખું રક્તરંજિત બની રહ્યું છે તે ચિંતાજનક છે.

ઇ-પેપરના નવા શુલ્ક