દિવાળીનું પર્વ દેશે ઉજવ્યું તે દરમિયાન જ જનમાનસમાં પોતાનું સ્થાન અંકિત કરી વર્ષો સુધી જાળવનાર કેટલાક કલાકાર-અભિનેતાઓની વિદાય તેમના ચાહકો માટે વસમી થઈ પડી. મૃત્યુ અફર, અમીટ સત્ય છે છતાં સ્વજનના અવસાનની જેમ જ જે લોકો સર્વજન સાથે સંકળાયેલા હોય તેમના મૃત્યુ દુ:ખદાયક હોય જ. દિવાળીના આગલા દિવસે ફિલ્મ અભિનેતા અસરાની, તે જ અરસામાં સિરિયલ-ફિલ્મના કલાકાર પંકજ ધીર અને શનિવારે માંડવી-કચ્છના વતની, હળવી અભિનય શૈલીના અભિનેતા સતીષ શાહે આપણી વચ્ચેથી હંમેશા માટે વિદાય લીધી. ત્રણેયના મૃત્યુના સમાચારથી એક બહોળા વર્ગને ‘અરે રે...’ ની લાગણી થઈ. બધા માટે આશ્વાસન તો એક જ: જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ...
2020-2021માં
વૈશ્વિક મહામારી કોરોના સમયે એક તબક્કો હતો જ્યારે ઋષિ કપૂરથી લઈને ઈરફાનખાન સુધીના
અનેક કલાકારોએ વિદાય લીધી. તે સિવાય પણ ફિલ્મ ઉદ્યોગ કે ટેલિવિઝન ક્ષેત્રના લોકોના
અવસાન તો થયાં હોય, મૃત્યુ થોડું ભેદ કરે? તેમ છતાં પર્વના દિવસોમાં જ એક પછી એક કલાકારના
મૃત્યુથી સ્વાભાવિક રીતે દર્શકોને થોડો ધક્કો પહોંચે. પંકજ ધીર લોકપ્રિય થયા, બી.આર.
ચોપરાની ટીવી શ્રેણી મહાભારતથી. કર્ણ જેવા સક્ષમ પાત્રની ભૂમિકા તેમના ભાગે આવી હતી.
વીરોને શોભે તેવી મુખાકૃતિ, પાત્રને અનુરુપ અભિનય, સંવાદો થકી વિશિષ્ટ અભિવ્યક્તિથી
તેમણે કર્ણને પડદા ઉપર જીવંત કરવાનો મહદઅંશે સફળ પ્રયાસ કર્યો હતો. તે પછી ફિલ્મોમાં
પણ નાની-મોટી ભૂમિકાઓમાં તેઓ દેખાયા પરંતુ ઓળખ તો કર્ણની જ બની રહી.
અસરાની
તો વર્ષોથી હિન્દી-ગુજરાતી ફિલ્મોના દર્શકોના હૃદયમાં સ્થાન ધરાવતા. 50 વર્ષ પૂર્વેની
કોમર્શીયલ હિટ ‘શોલે’ હોય કે એકાદ દાયકા પૂર્વેની ફિલ્મ ‘ધમાલ’ કે પછી ગુજરાતી સામાજિક
ચલચિત્ર ‘પંખીનો માળો’- અસરાનીએ લોકોને હસાવ્યા, રડાવ્યા, મનોરંજન પીરસ્યું. અમોલ પાલેકર
સાથે ‘છોટી સી બાત’માં કે અમિતાભ સાથે ‘અભિમાન’ ફિલ્મમાં તેમણે કરેલી ભૂમિકાને ભલે
‘સાઈડરોલ’ કહેવામાં આવ્યા હોય પરંતુ તેમને જે સોંપવામાં આવ્યું હતું તે પાત્ર તેમણે
ઊજાળ્યું. કોમેડિયનની ઈમેજ ધરાવતા અસરાનીએ ગંભીર ભૂમિકા પણ કરી હતી. ઉલ્લેખનીય સૌથી
વધારે તો એ છે કે છ દાયકાથી તેઓ આ ક્ષેત્રે સાતત્યપૂર્ણ રીતે સક્રિય રહ્યા.
સતીષ
શાહ, ત્રીજા એવા જ અભિનેતા. જ્યારે ટેલિવિઝન ઉપર ગુણવત્તાસભર સિરીઝ આવતી, સેટેલાઈટ
ચેનલો, એપ્સનો સમય નહોતો તે સમયે અને તેના પછી પણ હળવી રમૂજી સિરિયલ્સ થકી તેમણે દર્શકોને
હસતા રાખ્યા. રંગભૂમિ સાથે પણ તેમનો નાતો. કોમેડી માટે જરુરી ટાઈમિંગ, શાર્પનેસ, પંચ
તેમને હસ્તગત હતા. કિડનીની બીમારી તેમને પણ હરાવી ગઈ. ફિલ્મ કે ટેલિ સિરીયલમાં ત્રણેય
કલાકાર વર્ષો સુધી સ્ટાર-સુપરસ્ટાર જેવા વિશેષણો પામ્યા નહીં, તેમની ભૂમિકા સહાયક તરીકે
રહી તેમ છતાં લોકચાહના મળી. અસરાનીની વય 83 અને સતીષભાઈની ઉંમર 74 વર્ષ હતી. તેમના
મૃત્યુને કુદરતનો ક્રમ પણ કહી શકાય. છતાં એકસાથે આમ ત્રણ ત્રણ કલાકારોના જીવનનો પડદો
પડી જાય તે તેમના ચાહકો માટે દુ:ખદ તો છે જ. માણસ કોઈ પણ ઊંચાઈએ હોય, કોઈ પણ ક્ષેત્રમાં
હોય તેના માટેનો અંતિમ શબ્દ અને ભાવ તો શ્રદ્ધાંજલિ, ઓમ શાંતિ જ હોઈ શકે. સતીષ શાહ
અભિનિત સિરિયલનું શીર્ષક ગીત આવી વેળાએ યાદ આવે, કામ પણ આવે...જિંદગી યે જો હૈ જિંદગી....