કાનૂની મુદ્રા નથી પરંતુ સંપત્તિના તમામ ગુણ : મહત્ત્વનો ચુકાદો
ચેન્નાઈ,
તા.ર6 : મદ્રાસ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે ભારતીય કાયદામાં ક્રિપ્ટોકરન્સીને
મિલકત ગણી શકાય, નફા માટે રાખી શકાય, ઉપયોગમાં લઈ શકાય અને ટ્રસ્ટમાં રાખી શકાય છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે ભલે કાનૂની મુદ્રા નથી પરંતુ તેમાં સંપત્તિના તમામ ગુણ
છે.
ન્યાયાધીશ
આનંદ વેંકટેશે જણાવ્યું હતું કે ભારતીય કાયદા હેઠળ ક્રિપ્ટોકરન્સીને વર્ચ્યુઅલ ડિજીટલ
સંપત્તિ ગણવામાં આવે છે, સટ્ટાકીય વ્યવહારો નહીં. જેનું કારણ એ છે કે વપરાશકર્તાના
રોકાણને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેને રાખી શકાય, ખરીદી શકાય અને
વેચી શકાય. જેને વર્ચ્યુઅલ ડિજીટલ મિલકત કહેવામાં આવે છે અને તે આવકવેરા કાયદાની કલમ
2(47અ) દ્વારા સંચાલિત થાય છે. હાઈકોર્ટે રૂતિકુમારી
દ્વારા દાખલ કરાયેલી અરજી પર આ આદેશ જારી કર્યો હતો જેમાં જનમાઈ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટરોને વઝીરએક્સ
પ્લેટફોર્મ પર તેના 198પ16 રૂપિયાના રોકાણથી ખરીદેલા 3532.30 એકસઆરપી કોઈન્સમાં દખલ
કરવાથી રોકવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે તેમને આ મિલકતનું પુન:વિતરણ, વિભાજન અથવા
પુન:સ્થાપન કરવાથી પ્રતિબંધિત મૂક્યો હતો.
અરજીનો
વિરોધ કરતા વઝીરએક્સે જણાવ્યું હતું કે તે ક્રિપ્ટો વોલેટની માલિકી ધરાવતું નથી. પ્લેટફોર્મ
હેકથી પ્રભાવિત થયું હતું અને સિંગાપોરની કોર્ટ દ્વારા મંજૂર કરાયેલ પુનર્ગઠન યોજના
હેઠળ વપરાશકર્તાનો ઉપાડ અટકાવવામાં આવ્યો હતો. યોજના હેઠળ બધા વપરાશકર્તાઓ સિંગાપોર
હાઈકોર્ટની દેખરેખ હેઠળ ત્રણ તબક્કામાં પ્રમાણસર વળતર મેળવશે. કોર્ટે આવી દલીલને ફગાવી
દીધી હતી.