• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

પાકિસ્તાન અને તાલિબાન : ઊકળતો ચરુ

તાલિબાન અને અફઘાનિસ્તાનને પોતાના તાબાના  માનતા પાકિસ્તાનને છેલ્લા થોડા દિવસથી લોહિયાળ વાસ્તવિક્તાનો અનુભવ થઈ રહ્યો છે. અફઘાનિસ્તાન સાથેની સરહદોએ પાકિસ્તાનને ગંભીર સંઘર્ષની  સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બંને દેશ વચ્ચે સરહદ પર સંખ્યાબંધ સ્થળોએ સશત્ર સંઘર્ષ ચાલી રહ્યો છે. તાલિબાને 2021માં અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી ત્યારથી અને તે પહેલાંથી પાકિસ્તાને તેને સમર્થન આપ્યું હતું, પણ આ સમર્થનના બદલામાં પાકિસ્તાની લશ્કર અને સરકારના માલિકપણાની લાગણી વધતાં તાલિબાને વલણમાં ફેરફાર કરવો શરૂ કર્યો હતો. 

હાલત એવી છે કે, હવે પાકિસ્તાનની અંદર થઈ રહેલા આતંકી હુમલામાં તહેરિકે તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ની જવાબદારી છતી થઈ રહી છે. ટીટીપીને અફઘાનિસ્તાનમાં આશ્રય મળતો હોવાના આરોપ સાથે પાકિસ્તાને આક્રમક વલણ લેવું શરૂ કર્યું છે. અફઘાનિસ્તાનના વિદેશપ્રધાન અમિર ખાન મુતકીના ભારત પ્રવાસ દરમિયાન આ તંગદિલી વધી હોવાની બાબત ઊડીને આંખે વળગી રહી છે.  આમ તો તાલિબાન સાથે આરંભના સારા સમયને બાદ કરતાં પાકિસ્તાનના અફઘાનિસ્તાન સાથેના સંબંધો હંમેશાં તંગ રહ્યા છે.  પાકિસ્તાનની રચના સાથે જ બંને દેશ વચ્ચે સરહદો પર અથડામણો ચાલુ થઈ ગઈ હતી. બંને દેશ વચ્ચે વિવાદનું એક મુખ્ય કારણ બ્રિટિશ શાસનકાળમાં ખેંચાયેલી દુરાંદ રેખા રહી છે. પાકિસ્તાન આ રેખાને સરહદ તરીકે માન્ય ગણે છે, જ્યારે અફઘાનિસ્તાન તેને સ્વીકારતું નથી. હવે અફઘાનિસ્તાન પોતાની સરહદોમાં ઘૂસણખોરી કરતું હોવાનો પાકિસ્તાનનો આરોપ છે. હવે આ આરોપ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા બાદથી ટીટીપીએ તેની આતંકી પ્રવૃત્તિ વધારી હોવાનો આરોપ પાકિસ્તાન મૂકી રહ્યંy છે. સામા પક્ષે અફઘાન સત્તાવાળાઓ પાકિસ્તાનના આરોપોને નકારવાની સાથોસાથ સરહદ પારથી વિનાકારણ હુમલા થઈ રહ્યા હોવાનો વળતો આરોપ મૂકી રહ્યા છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક