• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

પ્રજાની સત્તાનો મહિમા થવો જરૂરી

વિશ્વના સૌથી મોટા ગણતંત્ર એવા ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યાની હિરક જયંતિ પણ ઉજવાઈ ગઈ છે. સ્વતંત્રતા પછી હવે લોકતંત્ર પણ 76 વર્ષનું થયું છે. સ્વતંત્ર ભારતનો ઈતિહાસ તપાસીએ તો પણ આર્થિક, સામાજિક, રાજકીય, કુદરતી પડકારોની હારમાળા જોવા મળે. માનવસર્જીત યુદ્ધોની સ્થિતિ તો અનેક વખત થઈ તમામ પડકારોમાંથી આ દેશ સાંગોપાંગ પાર ઉતર્યો એટલું જ નહીં ભારતની આ યાત્રા અવિરત અને ઉન્નત રહી. ભારતનો માર્ગ  ઊર્ધ્વગામી રહ્યો. આ દેશ માત્ર કોઈ રાજસત્તા કે ભૂખંડ નથી એટલે એવું ચોક્કસ કહી શકાય કે, આ સમગ્ર યાત્રા સદીઓની છે. તેમાંથી આ સાડા સાત દાયકા પ્રજાતંત્રના છે.

ભારતને તમામ ક્ષેત્રે પ્રત્યેક યુગે મહાપુરૂષોનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. દેશની સ્વતંત્રતાની લડતમાં ગાંધીજી, સરદાર સાહેબ, પંડિત નહેરૂ, સુભાષ બાબુ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ સહિત હજારો લોકોનું બહુમૂલ્ય યોગદાન છે. આ દેશનું બંધારણ ઘડનાર મહાનુભાવો પણ રાષ્ટ્રહીતથી વિશ્વહીતની ઉદાત્ત ભાવનામાં માનતા હતા. ડોક્ટર ભીમરાવ આંબેડકર અને સ્વતંત્રતા પછી બંધારણ સભાના 299 જેટલા સદસ્યોએ બંધારણ ઘડયું હતું. ભાષા, સંસ્કૃતિ, પરંપરાની વિવિધતાને ધ્યાને રાખીને આ બંધારણમાં નાગરિક એટલે કે દેશવાસી અને કાયદો કેન્દ્રમાં છે. 1950ની 26મી જાન્યુઆરીએ અમલમાં આવેલા આ બંધારણમાં સમયાંતરે સુધારા, ઉમેરા થતા આવ્યા છે પરંતુ તેનું પોત જાળવવા પર હંમેશા ભાર મુકવામાં આવ્યો છે.

ભારતનું બંધારણ અન્ય લોકશાહી દેશોની સરખામણીમાં એટલા માટે અલગ પડે છે કે તેની શરૂઆત ‘ભારતના નાગરિકો’ શબ્દથી થાય છે. ‘અમે ભારતના લોકો, ભારતને એક સાર્વભોમ સમાજવાદી પંથ નિરપેક્ષ, લોકતાંત્રિક ગણરાજ્ય બનાવવા તથા તેના તમામ નાગરિકોને ન્યાય-સામાજિક, આર્થિક અને રાજકીય, સ્વતંત્રતા, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની...સુનિશ્ચિત કરવા માટે બંધારણ સભામાં સંવિધાન સ્વીકારી સ્થાપિત કરી અમને અર્પણ કરીએ છીએ.’ આપણા બંધારણમાં અધિકારોની સાથે જ નાગરિક ઉત્તરદાયિત્વની સ્પષ્ટતા છે એટલે જ જવાબદાર પ્રજાતંત્રની તેમાં સંકલ્પના છે તો બીજી તરફ નાગરીકોને તમામ પ્રકારે ન્યાય મળે તેવો પણ સંકલ્પ વ્યક્ત કરાયો છે. આના ઘણા સૂચિતાર્થો છે જેની ચર્ચાનું આ ટાણું છે.

76 વર્ષનું પરિપક્વ લોકતંત્ર એટલે લોક અને તંત્ર, પ્રજા અને સત્તાધીશો વચ્ચેના સાયુજ્યનું વ્યવસ્થા તંત્ર એમ કહી શકાય. આ ગણતંત્ર દિવસે પ્રત્યેક નાગરિકને એવો પ્રશ્ન થવો જોઈએ કે, પોતે પોતાને મળેલા અધિકાર અંતર્ગત નિર્ભય, નીડર રહીને જીવી શકે છે? મતાધિકાર એ પ્રત્યેક નાગરિકનો ફક્ત અધિકાર નહીં પરંતુ લોકશાહીમાં તેની ફરજ છે. શું તેનો ઉપયોગ કરે છે? રાષ્ટ્ર પ્રત્યેની તમામ ફરજો નિભાવે છે? બંધારણના અનુચ્છેદ 19માં 7 પ્રકારની સ્વતંત્રતા નાગરિકને પ્રાપ્ત છે. આ સ્વતંત્રતાનો ઉપયોગ એ કરી શકે તેના માટેની જાગૃતિ પણ તે નાગરિકની પોતાની ફરજ છે. આપણો દેશ ધર્મ વૈવિધ્યથી પણ સંપન્ન છે પરંતુ નાગરિક ધર્મ સર્વોચ્ચ છે તેનું પાલન અપેક્ષિત છે.

રાષ્ટ્ર સ્વતંત્ર થયું ત્યારની અને આજની સ્થિતિમાં સ્વાભાવિક રીતે ઘણો બધો ફેર છે. તથ્યો બદલાયા છે પરંતુ તત્વો યથાવત્ છે એ સમયે બ્રિટીશરોની દમનકારી નીતિનો ભોગ પ્રજા બની હતી અને આપણે સ્વતંત્ર થયા હતા. આજે અમેરિકાની ટેરિફ નીતિ આપણને પજવી રહી છે. પ્રજાતંત્રમાં પ્રજા તરીકે કૌવત અને સમર્પણ બતાવવાની આ ઘડી છે. 105 વર્ષ પહેલા સ્વદેશીની જે હાકલ પડી હતી તે તેનો પ્રતિઘોષ આજે સંભળાઈ રહ્યો છે. 2020માં કોરોના સમયે આખા દેશે એક થઈને આ કુદરતી આપદાનો સામનો કર્યો હતો. આજે ફરી એક થઈને આર્થિક સંકટમાંથી બચવા માટે આગળ આવવાની આ ઘડી છે. પ્રજાની સત્તાની વ્યાખ્યાન ચરિતાર્થ કરવાનો આ સમય છે. પ્રજા પોતે પોતાના દેશમાં બનેલી વસ્તુ ખરીદે, દેશને આર્થિક રીતે અડીખમ રાખે તે પણ 76મા વર્ષની બહુ જ મોટી ઉજવણી ગણી શકાય.

રાષ્ટ્રની આર્થિક નીતિ ઘડવાનું કામ સત્તાધીશો કરે પરંતુ રાષ્ટ્રને આર્થિક રીતે પગભર કરવા માટે નાગરિકોની સજાગતા, સક્રિયતા અનિવાર્ય છે. ખરા અર્થમાં લોકતંત્ર ત્યારે સાર્થક થાય.

દેશની સુરક્ષા સૌથી અગત્યની બાબતો પૈકી એક છે. વર્તમાન સરકારે આતંકવાદ સામેની લડાઈ સંગીન, વધારે અસરકારક બનાવી છે. અળવિતરા પાડોશી દેશોને જરૂર પડી ત્યારે પાઠ ભણાવવામાં આપણી સેના અને સરકારે કૌવત બતાવ્યું છે. પ્રજાએ પણ આ સમયે ધૈર્ય બતાવ્યું છે, ભવિષ્યમાં પણ તેવું થાય કે, આ ગણતંત્ર દિવસનો સંકલ્પ હોઈ શકે. રાષ્ટ્રની સુરક્ષા સામે પડકાર વધી રહ્યા છે. કોમી વૈમનસ્ય, ધર્મ આધારિત રાષ્ટ્રનીતિ આસપાસના દેશોમાં ભભૂકી રહી છે તેની આગ આપણને દઝાડે નહીં તે આપણી અગ્રતા રહેવી જરૂરી છે.

બંધારણે આપેલા વિવિધ અધિકારોની સાથે રાષ્ટ્રહીત અગત્યનું છે. આખા દેશમાં જેનઝી એટલે કે યુવા પેઢીની પ્રવૃત્તિઓ ચર્ચામાં છે. સ્વતંત્રતાનો અર્થ અરાજકતા અને આછકલાઈ નહીં તે સમજવું પડે. માગણી કરવાનો સૌને અધિકાર પરંતુ દેશહીતને જોખમમાં મુકીને નહીં. કોમી એકતા સદીઓથી ભારત દેશની ઓળખ રહી છે. સમયાંતરે તેને તોડવાના પ્રયાસ આંતર-બાહ્ય રીતે થતા આવ્યા છે. આવા પ્રયાસને સફળ ન થવા દેવા તે પણ પ્રજાના હાથમાં છે. દેશનું સુકાન યોગ્ય વ્યક્તિઓના હાથમાં સોંપવું તે પણ પ્રજાના હાથમાં છે, પ્રજા જ ખરી સત્તાધીશ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંસદમાં જાય ત્યારે તેના પગથિયે વંદન કરે છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ તેમણે આપેલું ફક્ત સૂત્ર નથી પરંતુ બંધારણમાં લોકતંત્રની જે કલ્પના 76 વર્ષ પહેલા શાબ્દિક રીતે મુકવામાં આવી છે તેને ચરિતાર્થ કરવાનો મંત્ર છે. આ મંત્ર દરેક નાગરિકને કંઠસ્થ હોવો જોઈએ. પ્રજાને એવી ખબર હોવી જોઈએ કે, આપણે રાષ્ટ્રના સત્તાધીશ છીએ. અર્થ એ છે કે, રાષ્ટ્રમાં ઉપસ્થિત થતી ઘટનાઓ, બનાવોમાં કેટલેક અંશે જવાબદારી આપણી પણ છે.

ઇ-પેપરના નવા શુલ્ક