• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

દેશના ટોચના ધારાશાસ્ત્રીઓની યાદીમાં પ્રીતિ મહેતાનો ‘આઈકોન’ તરીકે સમાવેશ

મુંબઈ, તા. 2પ : સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને જાણીતાં ધારાશાસ્ત્રી પ્રીતિબહેન મહેતાનો સમાવેશ લીગલ સામયિક ‘ઇન્ડિયા બિઝનેસ લૉ જર્નલ’ (આઈબીએલજે)ની વર્ષ 2026 માટે ઉત્કૃષ્ટ ભારતીય વકીલોની  યાદીમાં ‘આઈકોન’ તરીકે કરવામાં આવ્યો છે. મૅગેઝિનની 2026 માટેના ‘એ લિસ્ટ’માં ટોચના ધારાશાસ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ ભારતીય તથા આંતરરાષ્ટ્રીય ફર્મ્ઝ સાથે સંકળાયેલા હોય અને ભારત કેન્દ્રિત પ્રવૃત્તિઓમાં કાર્યરત હોય.

‘હૂઝ હૂ લીગલ’ / ‘લેક્સોલૉજી ઇન્ડેક્સ’ નામના વધુ એક આંતરરાષ્ટ્રીય પ્રકાશને પ્રીતિબહેનને છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી ફ્રૅન્ચાઈઝિંગમાં વિશ્વના અગ્રણી પ્રેક્ટિશનર્સમાં એક તરીકે બિરદાવ્યાં છે. છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી પ્રીતિબહેન કાંગા ઍન્ડ કંપનીમાં સિનિયર પાર્ટનર તરીકે કાર્યરત છે અને મર્જર ઍન્ડ ઍક્વિઝિશન, પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ્સ તથા કૉર્પોરેટ લૉ તેમની પ્રેક્ટિસનાં ક્ષેત્રો છે.

પ્રીતિબહેન પોતાની સફળતાનો શ્રેય પિતા સ્વ. ડી.એમ. પોપટને આપે છે, જેઓ મેસર્સ મુલ્લા ઍન્ડ મુલ્લા અને ક્રેગી બ્લન્ટ ઍન્ડ કેરોમાં સિનિયર પાર્ટનર હતા. આ ક્ષેત્રમાં શરૂઆતની ટ્રાનિંગ તેમણે પિતા પાસે મેળવી હતી. આગળ જતાં, પિતાતુલ્ય સિનિયર પાર્ટનર સ્વ. એમ.એલ. ભક્તા સાથે કામ કરી તેમની પાસેથી પણ પ્રશિક્ષણ મેળવ્યું હતું. આ બન્ને ધારાશાસ્ત્રીઓ પોતાના વ્યવસાયના મહારથીઓ ગણાય છે.

આ યાદીમાં સ્થાન જાળવી રાખવા અંગે પ્રતિક્રિયા આપતાં પ્રીતિબહેને જણાવ્યું હતું કે, “આ પ્રવાસ સરળ નહોતો અને આ રેન્કિંગ જાળવી રાખવામાં દર વર્ષે નવા પડકારો સામે આવે છે. આમ છતાં, સાતત્યપૂર્વક આ યાદીમાં સ્થાન મળે છે એનો સંતોષ છે. કાંગા ઍન્ડ કંપનીના સિનિયર પાર્ટનર તરીકે મળેલી આ સ્વીકૃતિ માટે હું અત્યંત કૃતજ્ઞ છું. અમારા ક્લાયન્ટ્સનો આના માટે હાર્દિક આભાર માનું છું.’’

પ્રીતિબહેન રૉટરી ક્લબ અૉફ બૉમ્બેના પાસ્ટ પ્રેસિડન્ટ છે, જ્યાં તેમનો મુંબઈ તેમ જ મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ સામાજિક સેવા પ્રોજેક્ટ્સમાં સક્રિયપણે સહભાગ રહ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક