• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

પાંચ ગુજરાતીને પદ્મશ્રી એવોર્ડ

મીર હાજી કાસમ, ધાર્મિકલાલ પંડયા, રતિલાલ બોરીસાગર, અરવિંદ વૈદ્ય, નિલેશ માંડલેવાલાને સન્માન

રાજકોટ, તા. ર5 : પ્રજાસત્તાક દિવસ પૂર્વે કેન્દ્ર સરકારે આજે 25 જાન્યુઆરીએ પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરી હતી. જેમાં કુલ 45 શ્રેષ્ઠીને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરાશે. જેમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રના પાંચ શ્રેષ્ઠી મીર હાજીભાઈ કાસમભાઈ, નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, ધાર્મિકલાલ ચુનીનાલ પંડયા, રતિલાલ બોરીસાગર તેમજ અરવિંદ વૈદ્યને પણ કલા, સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે સેવા બદલ પદ્મશ્રી મળશે. 

ઢોલકનું ધિંગાણું : જૂનાગઢના મીર  હાજીભાઈ કાસમભાઈ (હાજી રમકડું)

ઢોલકનું ધિંગાણું એવા જૂનાગઢના મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાશે. તેમને લોકો ‘હાજી રમકડું’ના નામથી પણ બોલાવે છે. ભજન, સંતવાણી, ગઝલ અને કવ્વાલીમાં તેઓ પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા છે. તેમણે ગાયો માટે 3 હજારથી વધુ કાર્યક્રમમાં ઢોલક વગાડ્યું છે. તેમણે 1 હજારથી વધુ સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે.

નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, સામાજિક કાર્યકર

સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક કાર્ય માટે પદ્મ શ્રી એવોર્ડનું સન્માન આપવામાં આવ્યું છે. તેઓ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે ઓળખાય છે અને ડોનેટ લાઇફ સંસ્થાના સ્થાપક છે. નિલેશભાઈના પિતાની વર્ષ 1997માં કિડની નિષ્ફળ થતાં, વર્ષ 2004થી તેઓનું નિયમિત પણે ડાયાલિસીસ કરાવવા જવું પડતું. જેમાં અનેક તકલીફોનો સામનો કર્યા બાદ નિલેશભાઈ દ્વારા વર્ષ 2006માં સુરતથી કિડની દાનથી અંગદાન સેવાનો પ્રારંભ કર્યો હતો. આ અભિયાનનો લિવર, સ્વાદાપિંડ, હૃદય, હાડકાં, ફેફસાં, નાનું આતરડું, હાથ અને ગર્ભાશયના દાન સુધી વિસ્તાર થયો હતો.  અત્યાર સુધીમાં ડોનેટ લાઇફ સંસ્થાના ભગીરથ કાર્ય થકી કુલ 1300થી વધારે અંગો તેમજ ટીસ્યુઓનું દાન કરાવવામાં આવી ચૂક્યું છે.

ધાર્મિકલાલ ચુનીનાલ પંડયા, (આખ્યાન, માણભટ્ટ)

વડોદરાના ધાર્મિકલાલ ચુનીનાલ પંડયાને જૈફ વયે પદ્મ શ્રી એવોર્ડનું સન્માન મળશે. જન્મ, 11 ઓગસ્ટ 1932, વડોદરા, તેમણે ત્રણ હજારથી વધુ આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે. તેમણે દેશ અને વિદેશમાં આખ્યાન અને માણભટ્ટની કળાનો પ્રચાર અને પ્રસાર કર્યો છે. આરંભકાળે વડોદરાની પોળોમાં આખ્યાનકથાઓ કરી છે. તેઓ 1951-52થી આ કલા-વ્યવસાયમાં પ્રવૃત્ત છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન સુધી તેઓ કાર્યક્રમો આપી ચૂક્યા છે. પ્રેમાનંદનાં લગભગ 30થી 40 આખ્યાનો તેમને કંઠસ્થ છે.  દિલ્હીની ભારતીય સંગીત નાટક અકાદમી તરફથી 1952થી આરંભાયેલી પુરસ્કારની પ્રણાલિકામાં 1987માં તેમનું સન્માન થયું. આવું માન પામનાર ગુજરાતમાં તેઓ માત્ર એક છે. પ્રેમાનંદની વિશિષ્ટ પરંપરાને જીવંત રાખવાનો તેમનો પુરુષાર્થ આજીવન રહ્યો છે. 1981માં શારદાપીઠના શંકરાચાર્યે કીર્તનકેસરી અને માણકલા-કૌશલ  બિરૂદોથી તેમને નવાજ્યાં છે.

હાસ્યલેખક અને નિબંધકાર રતિલાલ બોરીસાગર

ગુજરાતી સાહિત્યમાં અનેરું પ્રદાન કરનારા રતિલાલ બોરીસાગરની પદ્યશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. અમરેલીના સાવરકુંડલામાં વર્ષ 1938માં જન્મેલા રતિલાલ બોરીસાગરે પ્રાથમિક શિક્ષક તરીકે સેવા આપ્યા પછી સાવરકુંડલાની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેમની પસંદગી થઈ. 1989માં તેમણે પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1974માં ગુજરાતીના અધ્યાપક તરીકેનો વ્યવસાય છોડીને તેઓ એકેડેમિક સેક્રેટરી તરીકે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં જોડાયા અને ગાંધીનગરમાં તેમની એ પ્રવૃત્તિ લગભગ એકવીસ વર્ષ સુધી ચાલી.

તેમણે સાહિત્યિક કારકિર્દીનો આરંભ ટૂંકી વાર્તાના લેખનથી કર્યો, પણ તુરત તેમની નૈસર્ગિક વિનોદવૃત્તિ તેમને હાસ્યનાં ક્ષેત્રમાં ખેંચી ગઈ અને એમાં તેમણે અનોખી સફળતા પ્રાપ્ત કરી. તેમનો પ્રથમ હાસ્યસંગ્રહ મરક મરક 1977માં પ્રગટ થયો અને હાસ્યક્ષેત્રે તેમનું નામ પહેલાં જ સંગ્રહથી પ્રતિષ્ઠિત થયું. તેમનો બીજો સંગ્રહ આનંદલોક 1983માં પ્રકાશિત થયો. તેમની હાસ્યકલાનું ઉત્તમ શિખર 1997માં પ્રકાશિત થયેલી તેમની આત્મકથનાત્મક હાસ્યરસિક નવલકથા એન્જોયગ્રાફી છે. એમાં તેમણે હૃદયની બીમારીનો સ્વાનુભવ એવી હળવાશથી આલેખ્યો છે કે એન્જિયોગ્રાફી એન્જોયગ્રાફીમાં સહજ ને સરસ રીતે થયેલું પરિવર્તન માણી શકાય છે.

ટીવી-ફિલ્મ કલાકાર અરાવિંદ વૈદ્ય

મહારાષ્ટ્રના સતારા જિલ્લાના મસૂર ગામમાં જન્મેલા અરાવિંદ વૈદ્ય અનુપમા સિરિયલમાં ‘બાપુજી’નો રોલ કરી ઘરે ઘરે જાણીતા થયા છે. તેઓ જન્મે મરાઠી છે પરંતુ મોટા ભાગના ચાહકોને એમ જ છે કે તેઓ ગુજરાતી છે. જન્મના થોડા સમય બાદ જ તેઓ અમદાવાદ સ્થાયી થયા હતા. તેમણે એલ ડી આર્ટ્સ કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓએ રંચમંચ-નાટકમાં, ટીવી અને ફિલ્મ ક્ષેત્રે મૂઠી ઉંચેરું યોગદાન આપ્યું છે. તેમણે ર00થી વધુ નાટકોનું દિગ્દર્શન કર્યું છે, થિયેટરને કલાત્મકતા અને સત્યની શક્તિમાં આકાર આપ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક