ગ્રુપ સીમાં સ્કોટલેન્ડનો સામનો ઇંગ્લેન્ડ, વિન્ડિઝ, નેપાળ અને ઈટાલી સામે થશે
નવી
દિલ્હી, તા. 24 : ટી20 વિશ્વકપ 2026માંથી બંગલાદેશની સત્તાવાર રીતે વિદાઈ થઈ ચૂકી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદ (આઇસીસી)એ બંગલાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટૂર્નામેન્ટમાં
સામેલ કરવાની પુષ્ટિ કરી દીધી છે. આઇસીસીએ એક પત્ર લખીને બંગલાદેશને આ મામલે જાણકારી
આપી દીધી છે.
બંગલાદેશ
બહાર થવાનાં કારણે સ્કોટલેન્ડને આઇસીસી પુરુષ ટી20 વિશ્વકપ 2026માં ગ્રુપ સીમાં સામેલ
કરવામાં આવ્યું છે. જેમાં તેનો સામનો ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, નેપાળ અને ઈટાલી જેવી
ટીમ સામે થશે. બંગલાદેશ અને આઇસીસી વચ્ચે છેલ્લા ત્રણ અઠવાડિયાથી ખેંચતાણ ચાલી રહી
હતી. બંગલાદેશ માગ કરી રહ્યું હતું કે તે ભારતમાં વર્લ્ડ કપ મેચ રમશે અને તેના મેચ
શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે. જો કે આઇસીસીએ સ્પષ્ટ કહી દીધું હતું કે મેચ ભારતમાં
જ રમવા પડશે. બાદમાં આઇસીસી બોર્ડના મતદાનમાં 14-2ના બહુમતથી ભારતમાં બંગલાદેશના મેચ
કરાવવા મંજૂરી આપવામાં આવી હતી. જો કે બંગલાદેશ પોતાની આડોડાઈ ઉપર અડગ રહ્યું હતું
અને વર્લ્ડ કપનો બહિષ્કાર કરી દીધો હતો. જેનાં કારણે હવે સ્કોટલેન્ડની ટીમને ટી20 વિશ્વકપની
ટિકિટ મળી છે.
આ
પૂરા વિવાદની શરૂઆત આઇપીએ નીલામી બાદ થઈ હતી. જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની
ટીમમાં બંગલાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને સામેલ કર્યો હતો. જો કે ભારતમાં તેનો વિરોધ
થયો હતો કારણ કે બંગલાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચારના અહેવાલો સામે આવ્યા હતા. બાદમાં
બીસીસીઆઇના નિર્દેશ ઉપર મુસ્તફિઝુરને રિલીઝ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી બંગલાદેશ
ભડકી ઉઠયું હતું અને વર્લ્ડ કપના બહિષ્કારની ધમકી આપી દીધી હતી.