રાજ્ય કક્ષાની ઉજવણી નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થશે : 9 જિલ્લામાં કલેક્ટર કરાવશે ધ્વજવંદન
રાજકોટ,
તા. 25 : આવતીકાલ તારીખ ર6મી જાન્યુઆરીના રોજ રાજકોટ સહિત રાજ્યભરમાં દેશના 77મા પ્રજાસત્તાક
પર્વની ગર્વભેર ઉજવણી થશે. જેમાં પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવરચિત વાવ-થરાદ જિલ્લામાં
થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ
ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વે સવારે 9:00 કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે
તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝિલશે. રાજ્યકક્ષાની ઉજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો
તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરાશે.
આ રાષ્ટ્રીય પર્વની રાજ્યના વિવિધ જિલ્લાઓના તાલુકા
મથકોએ જે ઉજવણી થશે તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં મકરબા ખાતે ધ્વજવંદન
કરાવશે. આ ઉપરાંત રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ જે તે જિલ્લાઓના તાલુકા મથકોએ પ્રજાસત્તાક
પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહીને ધ્વજવંદન કરાવશે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી રાજકોટ
જિલ્લાના જેતપુરમાં, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર જિલ્લાના માણસામાં, શ્રમ-રોજગાર
મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પોરબંદર જિલ્લાના રાણાવાવમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ
મોઢવાડિયા દાહોદ જિલ્લાના ગાવિંદગુરુ - લિંબડીમાં ધ્વજવંદન કરાવશે.
રાજ્યના 9 જિલ્લાઓના તાલુકા મથકોએ જિલ્લા કલેક્ટરો
દ્વારા પ્રજાસત્તાક દિને ધ્વજવંદન થવાનું છે તેમાં અરવલ્લીના મેઘરજ, બનાસકાંઠાના ઓગડ,
ભરૂચના આમોદ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ તેમજ જામનગરના કાલાવડ અને જૂનાગઢના કેશોદ ઉપરાંત
મોરબી જિલ્લાના ટંકારા તથા સુરત જિલ્લાના માંડવી અને તાપીના ઉચ્છલમાં સંબંધિત કલેક્ટર
ધ્વજવંદન કરાવશે.