બારાસાતથી
સાંસદ કાકોલી ઘોષનું પક્ષના તમામ પદોથી રાજીનામું : 15 સાંસદ, 50 વિધાયક પણ ટીએમસી
નેતૃત્વથી નારાજ હોવાના દાવા
કોલકાતા,
તા. 27 : પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ તૃણમુલ કોંગ્રેસની મુશ્કેલીમાં
સતત વધારો થઈ રહ્યો છે અને પક્ષ તૂટવાની કગારે હોવાના રિપોર્ટ વારંવાર સામે આવી રહ્યા
છે. આ દરમિયાન બારાસાતથી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે પક્ષના તમામ પદ ઉપરથી રાજીનામું
આપી દીધું છે. આ સાથે એવા રિપોર્ટ પણ સામે આવ્યા છે કે અંદાજે 15 સાંસદ ટીએમસી છોડવાની
તૈયારી કરી રહ્યા છે જ્યારે 50 વિધાયક પણ પક્ષથી નાખુશ છે. આ અહેવાલો એવા સમયે સામે
આવ્યા છે જ્યારે ટીએમસીના 100થી વધારે કોર્પોરેટરોએ રાજીનામાં આપી દીધાં છે. બારાસાતથી
ટીએમસી સાંસદ કાકોલી ઘોષે ટીએમસી મહિલા વિંગના અધ્યક્ષ અને અન્ય પદો ઉપરથી રાજીનામું
આપ્યું છે પણ સાંસદ તરીકે પોતાનું કામ જાળવી રાખશે. અગાઉ કાકોલી ઘોષ સાર્વજનિક રીતે
પક્ષ નેતૃત્વ સમક્ષ નિરાશા જાહેર કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે મહિલા સાંસદો
સાથે થતા અયોગ્ય વ્યવહાર રોકી શકાયા નથી અને આ મામલે ઉચ્ચ નેતૃત્વ પાસેથી પણ પર્યાપ્ત
સહયોગ નથી મળ્યો.