• ગુરુવાર, 28 મે, 2026

ફ્રેંચ ઓપનમાં અપસેટ : મેદવેદેવ, સિલીચ અને પેગુલા હારીને બહાર

સિનર અને વર્તમાન ચેમ્પિયન ગોફ બીજા રાઉન્ડમાં

પેરિસ, તા.27: વિશ્વ નંબર વન અને ખિતાબના પ્રબળ દાવેદાર ઇટાલીના યાનિક સિનરનો ફ્રેંચ ઓપનના બીજા રાઉન્ડમાં શાનદાર પ્રવેશ થયો છે જ્યારે મહિલા વિભાગમાં અપસેટનો શિકાર બનીને પાંચમા ક્રમની અમેરિકી ખેલાડી જેસિકા પેગુલા બહાર થઇ હતી. પુરુષ સિંગલ્સમાં રૂસી ખેલાડી દાનિલ મેદવેદેવ પણ પહેલા રાઉન્ડમાં હારીને બહાર થયો હતો.

યાનિક સિનરનો પહેલા રાઉન્ડમાં ફ્રાંસીસી ખેલાડી કલેમેંટ ટેબૂર વિરુદ્ધ 6-1, 6-3 અને 6-4થી સરળ વિજય થયો હતો. આ પહેલા વિશ્વ નંબર 6 રૂસી ખેલાડી મેદવેદેવ 97મા ક્રમના ખેલાડી ઓસ્ટ્રેલિયાના એડમ વોલ્ટન સામે 6-2, 1-6, 6-1, 1-6 અને 6-4થી હારીને બહાર થયો હતો. દિવસના અન્ય એક ઉલટફેરમાં પૂર્વ યૂએસ ચેમ્પિયન મારીન સિલીચ 17 વર્ષના ફ્રાંસના ખેલાડી મોયસે કુઆમે સામે 6-7, 2-6 અને 1-6થી હારીને બહાર થયો હતો. સમહિલા વિભાગમાં ચાર વખતની પૂર્વ ફ્રેંચ ઓપન વિજેતા પોલેન્ડની ઇગા સ્વિયાતેક ઝેક ગણરાજયની ખેલાડી સારા બેજલેક સામે જીત મેળવી બીજા રાઉન્ડમાં પહોંચી છે. અમેરિકી ખેલાડી અને વર્તમાન ચેમ્પિયન કોકો ગોફે પણ બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. જાપાનની નાઓમી ઓસાકા પણ બીજા રાઉન્ડમાં પહોંચી છે. જેસિકા પેગુલાનો ઓસ્ટ્રેલિયન ખેલાડી કે. બિરેલ સામે 6-1, 3-6 અને 3-6થી પરાજય થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક