• શુક્રવાર, 29 મે, 2026

છ મનપામાં મેયર અને પદાધિકારીઓની વરણી સાથે સત્તાનો શંખનાદ

-રાજકોટમાં પૂર્વ સાંસદ ચીમન શુક્લના પુત્ર ડો.નેહલ મેયર

-ભાવનગર વાટિંગ કરવું પડયું, ઉષાબેન તલરેજા બન્યા નવા મેયર

-સુરેન્દ્રનગરના પહેલા મેયર બન્યા રાકેશ રાઠોડ

-સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર માયા માવાણી સુરતના નવા મેયર

-આણંદ-કરમસદ મનપામાં ભાજપનો બિનહરીફ કરવાનો પ્લાન કોંગ્રેસે ઉંધો વાળ્યો

-વડોદરા મનપામાં એસસી અનામત મેયર પદ ગીતાબેન મકવાણાને અપાયું

 

રાજકોટ, તા.28 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામના લગભગ એક મહિના બાદ જેની કાગડોળે રાહ જોવાતી હતી તે મનપાના પદાધિકારીઓની વરણી આજે કરી દેવામાં આવી છે. તા.26 મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, પોરબંદર, નડિયાદ, મહેસાણા એમ કુલ 8 મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરી દેવાઈ હતી. આજે રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, સુરત, વડોદરા, વાપી, આણંદ-કરમસદના પદાધિકારીઓની જાહેરાત થઈ ગઈ હતી.

રાજકોટ મહાનગરપાલિકામાં 76 દિવસ પદાધિકારીઓનું રાજ ચાલ્યા બાદ હવે પદાધિકારીઓનું શાસન આવ્યું છે. આજે રાજકોટ મહાનગરપાલિકાના 23મા મેયર તરીકે ભાજપના સિનિયર નેતા સ્વ. ચીમનભાઈ શુક્લના પુત્ર ડૉ.નેહલ શુક્લની વરણી કરવામાં આવી છે. આ સાથે જ 35મા ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી અને સ્ટેન્ડિંગ કમિટીના 35મા ચેરમેન તરીકે પરેશ પીપળીયાના નામ પર મહોર મારવામાં આવી છે. ઉપરાંત હિરેન ખીમાણીયાને શાસક પક્ષના નેતા અને સંજયાસિંહ રાણાને દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ભાવનગર : ભાવનગર મનપાની સભાની શરૂઆત થતાં જ મેયર પદ માટે બે સભ્યોના નામની દરખાસ્ત સામે આવી હતી. જેમાં ભાજપ તરફથી ઉષાબેન તલરેજા અને કોંગ્રેસ તરફથી જશુબેન બારૈયા મેદાનમાં હતા. જેમાં સર્વાનુમતી ન સધાતા બંને દાવેદાર વચ્ચે સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. ઉષાબેન તલરેજા (ભાજપ) 44 મત તથા જશુબેન બારૈયા (કોંગ્રેસ) 8 મત મળ્યા હતા, ભારે બહુમતી સાથે વિજેતા બનતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઉષાબેન તલરેજાની ભાવનગરના નવા મેયર તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયાની બહુમતીથી પસંદગી કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતા, શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળા તથા દંડક તરીકે રીંકુબેન માંગુકિયાની નિમણૂક થઈ છે. આ સાથે સ્ટેન્ડિગ કમિટીના 12 સભ્યની પણ વરણી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર : મહાનગરપાલિકાના ઇતિહાસમાં આજે ઐતિહાસિક દિવસ નોંધાયો હતો. પ્રથમ સામાન્ય સભામાં શહેરના પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડ અને પ્રથમ મહિલા ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ બિનહરીફ ચૂંટાયા હતા. સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન તરીકે નીખિલ ચાંપાનેરીની વરણી કરવામાં આવી હતી. ઉપરાંત પીન્ટુબેન અસાણિયાને પક્ષના નેતા અને સ્વાતિબેન માંડલિયાને દંડક તરીકે જવાબદારી સોંપાઈ હતી. આ પ્રસંગે વઢવાણ ધારાસભ્ય જગદીશ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટામાલિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત : શહેરના નવા મેયર પદે સૌરાષ્ટ્રીયન માયાબેન માવાણીની વરણી થઈ છે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે રાજન પટેલ, ડેપ્યુટી મેયર પદે સુધાકર ચૌધરી, શાસકપક્ષના નેતા તરીકે અલ્પા મહેતાની અને દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની વરણી થઈ છે. મેયર સહિતના પદાધિકારીઓના નામ જાહેર કરવાને લઈને શાસક પક્ષમાં ભારે લાબિંગ થયું હતું. જેના કારણે સુરતનના પદાધિકારીઓના નામ સૌથી છેલ્લે જાહેર થયા હતાં. નામ જાહેર થવામાં મોડું થયું અને આ તરફ સભાગૃહના એસી પણ બંધ થતાં ઉપસ્થિત રાજનેતાઓ પરસેવેથી ભારે રેબઝેબ થયા હોવાનું નજરે પડયું હતું.

વડોદરા : શહેરમાં મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એસસી અનામત મેયર પદ ગીતાબહેન મકવાણાને આપવામાં આવ્યું છે. તેમની 31માં મેયર તરીકે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે. 20 વર્ષ બાદ વડોદરા શહેરને એસ.સી મેયર મળ્યા છે. ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા તરીકે શ્વેતાબેન માછી અને દંડક તરીકે વિજય ચૌહાણની વરણી કરવામાં આવી છે.

વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે ત્યારે હવે પ્રથમ ટર્મના મેયર તરીકે દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેષ દેસાઈ, કારોબારી અધ્યક્ષ સતીશ પટેલ, દંડક સુનીતાબેન તિવારી અને પક્ષના નેતા તરીકે ધર્મેશ પટેલની નિમણૂક થઈ છે.

આણંદ-કરમસદ મનપામં સત્તાધારી પક્ષ ભાજપ બિનહરીફ કરાવવાનું વિચારી રહ્યો હતો, પરંતુ વિપક્ષ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારતા આખરે મતદાન કરાવવાની નોબત આવી હતી. મેયર પદ માટે યોજાયેલી આ રસપ્રદ ચૂંટણીમાં ભાજપ તરફથી દીપિકા પટેલ અને કોંગ્રેસ તરફથી નઝમાબેન પઠાણ સામસામે ચૂંટણી મેદાનમાં હતા. મતદાન પ્રક્રિયાના અંતે ભાજપના ઉમેદવાર દીપિકા પટેલને 43 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નઝમાબેન પઠાણને માત્ર 8 મત જ મળી શક્યા હતા. જેથી પ્રથમ મેયર પદે દીપિકાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે. ડેપ્યુટી મેયરના પદે કમલેશ ડાભી, કારોબારી સમિતિના ચેરમેન તરીકે મયુર સુથારની નિયુક્તિ થઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક