ભારત જેવા વિશાળ દેશમાં યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટના સમયગાળામાં પણ રોકડના વહેવારોની બોલબાલા યથાવત્ છે. દેશમાં દર મહિને 20 અબજ રૂપિયાની ડિજિટલ આર્થિક લેવડદેવડ થતી હોવા છતાં રોકડ ચલણની માંગ સતત વધી રહી છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના આંકડા મુજબ દેશમાં વાર્ષિક 11.પ ટકાના વધારા સાથે રોકડની માંગ હવે 42.86 ટ્રિલીયન રૂપિયાને આંબી ગઈ છે. સ્વાભાવિક રીતે ચલણી નોટોની માંગ અને ઉપયોગમાં સતત વધારાએ નોટોની ગુણવત્તા બદતર બનાવી હોવાની હકીકત સૌ કોઈ સ્વીકારે છે. હવે ભારત સરકારે કાગળને બદલે પ્લાસ્ટિકની ચલણી નોટો બનાવવાના વિકલ્પ પર મંથન શરૂ કર્યાની હકીકત સામે આવી રહી છે.
ઉલ્લેખનીય
છે કે, હાલે દુનિયામાં ઓસ્ટ્રેલિયા, બ્રિટન, કેનેડા, ન્યુઝીલેન્ડ, સિંગાપુર, મેલેશિયા,
વિયેતનામ, રોમાનિયા સહિત 60 જેટલા દેશમાં પ્લાસ્ટિકની નોટો ચલણમાં છે. પોલીપ્રોપાઈલનીન નામના ખાસ સિન્થેટિકમાંથી બનેલી
આ પ્લાસ્ટિકની ચલણી નોટો ભારે ટકાઉ અને ગંદી કે ફાટવાની શક્યતાથી પર હોય છે. વળી આવી નોટોમાં બહુ બારીક વિશેષતાઓ અને હોલોગ્રાફ
હોવાને લીધે તેની બનાવટી પ્રતિકૃતિ સંભવ થતી હોતી નથી. આમ ભારે સ્વચ્છ અને ટકાઉ હોવાની સાથોસાથ પ્લાસ્ટિકની
નોટો સલામત પણ હોય છે.
આમ
તો ભારતમાં છેક 2009થી પ્લાસ્ટિકની ચલણની નોટોનો વિચાર ચાલી રહ્યો છે. 2012માં તો જયપુર, ભુવનેશ્વર, કોચીન અને શિમલામાં
10 રૂપિયાની પ્લાસ્ટિકની નોટોના પરીક્ષણની યોજના તૈયાર થઈ હતી, પણ તે આગળ ધપી શકી ન હતી, પણ હવે આધુનિક ભારત પ્લસ્ટિકની
ચલણી નોટો માટે તૈયાર છે. વાત માત્ર મક્કમ
અમલીકરણ અને તે માટેના જરૂરી માળખાંની રહેશે. આરબીઆઈએ ભારતીય છાપકામના નાસિક, દેવાસ,
મૈસૂર અને સાલબોની ખાતેના મુદ્રણાલયોમાં કાગળની સાથોસાથ પ્લાસ્ટિકના કાગળ પર નોટોના
છાપકામની ટેક્નોલોજી માટે વ્યવસ્થા ઊભી કરવી પડશે. સાથોસાથ આવી પ્લાસ્ટિકની ચલણી નોટો લાવવામાં આવે
તો તેની ખરાઈ અને દેખાવ અંગે દેશભરને માહિતગાર કરવા પર વ્યાપક ઝુંબેશ હાથ ધરવાની જરૂરત
રહેશે.
આધુનિક
સમયમાં ડિજિટલ વહેવારના ચલણનો વ્યાપ વધી રહ્યો છે, તો પણ પ્લાસ્ટિકની નોટોના આગ્રહ
સામે સ્વાભાવિક રીતે સવાલ ખડા થઈ રહ્યા છે. વાસ્તવિક્તા એ છે કે, ભારત જેવા વિશા દેશમાં
સાત લાખથી વધુ ગામડા છે. તેમાંના ઘણા ગામો
એટલા બધા દુર્ગમ છે કે, ત્યાં ફોન કે ઈન્ટરનેટના જોડાણ હજી સરળ નથી. વળી અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ સતત જળવાયેલો
રહેતો ન હોવાને લીધે ફોન જેવા ઉપકરણોને ચાર્જમાં રાખવાનું પણ મુશ્કેલ બની રહે છે. આવામાં આર્થિક વહેવારમાં રોકડના ચલણને ઓછું કરી
શકાય તેમ નથી. સરકારે વહેલી તકે પ્લાસ્ટિકની ચલણી નોટો માટે નિર્ણાયક પહેલ કરવાની જરૂરત
છે.