ઈરાને ફરીથી હોર્મુઝ ઉપર ચોકી પહેરો ગોઠવી દીધો. હજી તો હાશકારો પૂર્ણ નહોતો થયો ત્યાં જગતનો જીવ ફરી ઊંચો થઈ ગયો છે. ભારત માટે સારા સમાચાર એ છે કે તિરંગાવાળા ત્રણ ક્રૂડ ઓઈલ ટેન્કર-જહાજ હોર્મુઝ સ્ટ્રેટથી નીકળી ચૂક્યાં છે, ઈરાન ફરી તે બંધ કરે તે પહેલાં જ. તેમાં 8.6 લાખ ટન કાચું તેલ છે. સવાલ એ છે કે આ સ્થિતિ ક્યાં સુધી? ત્રણ ટેન્કરનો જથ્થો સમાપ્ત થાય પછી અને તે દરમિયાન શું? યુદ્ધ તો વિનાશક હતું જ અને સંધિ પણ સંશયયુક્ત જ હતી. હવે એવું પણ સ્પષ્ટ છે કે ઈરાન હોર્મુઝ હડપ કરવા માગે છે.
દેશ
વૈભવ, દેશ વિભોર અને સનમાર હેરાલ્ડ જહાજ 8,60,865 ટન ક્રૂડ લઈને આગામી દિવસોમાં ગુજરાત
અને ઓડિસા બંદરે પહોંચશે. આટલી વિકટ સ્થિતિ હોવા છતાં વિશ્વના ત્રીજા ક્રમના ઓઈલ આયાતકાર
દેશ ભારતને પુરવઠો મળી રહ્યો છે તે અહીં સ્પષ્ટ છે. જો કે હવે કિંમત તો વધી ગઈ છે અને
તે ક્યાં સુધી રહેશે તે અનિશ્ચિત છે તેને લીધે મોઘવારી વધશે તે નિશ્ચિત છે. શુક્રવારે
યુદ્ધ સમાપ્તિને લીધે વિશ્વમાં હાશકારો હતો, શેરબજારથી લઈને સામાન્ય માણસોએ રાહત અનુભવી
હતી. ફરી ઈઝરાયલે લેબેનોન ઉપર હુમલા શરૂ કર્યા અને ચાલુ રાખ્યા. યુદ્ધ સંધિ કલાકોમાં
ક્યાં ખોવાઈ ગઈ? દુનિયા આખીમાં હાક મારતું અમેરિકા ઈઝરાયલને નિયંત્રણમાં રાખી શક્યું
નહીં. ભારત પાકિસ્તાનનું યુદ્ધ રોકાવ્યું હોવાનો દાવો કરનાર અમેરિકી પ્રમુખ ટ્રમ્પ
નેતન્યાહુ ઉપર કેમ નિયંત્રણ નહીં રાખી શકતા હોય ?
આવી
કોઈ પણ સ્થિતિમા ઈરાન પાસે ફક્ત એક જ રસ્તો છે અને તે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો,
તેને લીધે અમેરિકા ઉપર વિશ્વસ્તરનું દબાણ આવશે. ઊર્જા ક્ષેત્ર અલબત્ત અત્યારે કટોકટીનો
સામનો કરી રહ્યું છે. ભારતમાં પણ તેની અસર છે. હવે સ્થિતિ સામાન્ય થવાની આશા બળવાન
બની હતી ત્યાં ફરી આ સ્થિતિ સર્જાઈ છે. યુદ્ધ સમાપ્ત થયું, અમેરિકા રોકાયું તે બધું
તો એક તરફ છે અને શાંતિ થશે કે નહીં તે માટે પણ શંકા હતી જ પરંતુ એક બીજી બાબત એ છે
કે હોર્મુઝ 60 દિવસની અંદર પુર્વવત્ કરી દેવાનો ઉલ્લેખ કરારમાં છે.
ઈરાનનો
મનસૂબો હવે હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ટેક્સ વસુલવાનો પણ છે. લેબેનોન ઉપર
હુમલા થાય છે તે વાસ્તવ પણ છે અને સાથે એક શંકા એ પણ જાય કે તેને નિમિત્ત બનાવીને ઈરાન
હોર્મુઝ હડપ કરવા માટેનું બહાનું નક્કર તો નથી બનાવી રહ્યું ને?