• મંગળવાર, 23 જૂન, 2026

ચોમાસાનો વિલંબ ચિંતા કરાવે છે

જૂન માસનું છેલ્લું અઠવાડિયું શરૂ થયું છે અને હજી રસ્તા-જમીન ભીની થાય તેટલો વરસાદ પડયો નથી, ખેડૂતની આંખમાં ચિંતા ઊગી છે, સામાન્ય માણસોની આંખના ખૂણા પણ ભીના થઈ રહ્યા છે, આજે પણ આપણે ત્યાં ચોમાસું ફક્ત પ્રાકૃતિક ઘટના નથી. ગ્રામ્ય વિસ્તારનું અર્થતંત્ર, ખાદ્ય સુરક્ષા અને સાધારણ નાગરિકોના ઘરના અર્થતંત્ર માટેનો એક મહત્ત્વનો પડાવ છે. એમ કહી શકાય કે સરકાર કોઈ પણ હોય ખરા નાણામંત્રી તો મેઘરાજા છે. તે સ્થિતિમાં અલનીનોના પ્રકોપ અને અન્ય પરિબળોને લીધે વરસાદ ખેંચાઈ રહ્યો છે, અત્યાર સુધીમાં વરસાદની ઘટ 42 ટકાએ પહોંચી છે. નિષ્ણાતો કહે છે આમ જ રહ્યું તો આ છેલ્લા એક દાયકાનું સૌથી નબળું ચોમાસું હશે.

રાષ્ટ્ર આખામાં સ્થિતિ આવી છે. ગુજરાત વધારે ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યું છે. અત્યાર સુધીમાં અહીં 91 ટકા ઘટ છે. થોડા વર્ષોનો રેકોર્ડ જોઈએ તો પાછોતરો વરસાદ અહીં ફળે છે અને આગાહીઓનો અભ્યાસ કરીએ તો 23મી જૂનથી ચોમાસું પધારશે. વાદળ વરસે ત્યારે સાચાં, અત્યારે ચિંતાના વાદળ છે. અત્યારે હવામાનની જે સ્થિતિ છે તેને લીધે ખરીફ પાકની વાવણી ઉપર અસર પડી છે.

અલનીનોનું જોખમ ઘણું મોટું છે, અમેરિકાની એજન્સી નોઆ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની ખાદ્ય અને કૃષિ સંસ્થા દ્વારા આ વર્ષના અલનીનોને ગોડઝિલા સાથે સરખાવાયો છે એટલે કે તે વિરાટ અસૂરનું સ્વરુપ લેશે. જ્યારે જ્યારે અલનીનોની અસર થઈ છે ત્યારે ખાદ્ય પુરવઠાની સાંકળ વૈશ્વિક સ્તરે ખોરવાઈ છે તેના પુરાવા ભૂતકાળમાં છે. ભારત પણ આ સ્થિતિથી પર નહી રહી શકે. અહીં ગત વર્ષ કે અગાઉ કરતાં વાવણી આ વર્ષે ધીમી પડી છે. મગફળી, કઠોળ અને તેલીબિયાંના પાક ઉપર જોખમ છે. કપાસનું વાવેતર સ્થગિત થઈ ગયું છે. જો આ સ્થિતિ લંબાશે તો કૃષિક્ષેત્ર અને ગ્રામીણ વિસ્તાર ઉપર અસર પડશે. સામાન્ય નાગરિકો પણ સ્વાભાવિક રીતે આ ગાળાને લીધે મોંઘવારીનો ભોગ બન્યા વગર નહીં રહે. અનાજ અને શાકભાજીનું ઉત્પાદન ઘટશે તો ફુગાવો વધશે. દેશના આંતરિક આર્થિક વિકાસ દર ઉપર તેની અસર પડયા વગર નહીં રહે.

કેન્દ્ર સરકારે અલબત્ત, સંવેદનશીલ જિલ્લા-વિસ્તારો માટે વિશેષ આયોજન કર્યું છે. જો કે હજી આ શરૂઆતનો તબક્કો છે. છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં તો જુલાઈથી વરસાદ શરૂ થાય છે અને નવરાત્રી સુધી ચાલે છે. સંપૂર્ણપણે નિરાશ થવા જેવું નથી, સતર્કતા અને આયોજન આવશ્યક છે.

ઇ-પેપરના નવા શુલ્ક