• મંગળવાર, 07 જુલાઈ, 2026

ક્યાંક આભ ફાટયું, ક્યાંક વરસ્યું

“વરસાદ આવતો જ નથી..’’ એવો વસવસો ગણતરીના કલાકોમાં તણાઈ ગયો છે. ગુજરાતના વિવિધ વિસ્તારમાં વ્યાપક વરસાદ થયો છે, સૌરાષ્ટ્રમાં ગીર અને અમરેલી પંથકમાં તો બારે મેઘ ખાંગા થયા છે. શનિવાર રાત પછી અમરેલીની આસપાસ, રાજુલા અને ખાંભા નજીક ચોમાસાંએ ભયાનક રુપ ધારણ કરી લીધું છે. અલબત્ત, વરસાદને લોકોએ આવકાર્યો છે. એક મહિનો પ્રતીક્ષા કરાવ્યા બાદ આવેલા વરસાદના વધામણા સૌએ કર્યાં પરંતુ આ વરસાદ તંત્ર માટે પડકારરુપ બની ગયો છે અને એ કહેવું જ પડે કે તંત્ર મજબૂત રીતે તે પડકારનો સામનો કરી રહ્યું છે. સદનસીબે હજી ક્યાંયથી માનવજીવની ખુવારીના સમાચાર નથી પરંતુ નુકસાન બહુ થઈ રહ્યું છે, ફસાયેલા લોકોને બચાવવાની મથામણ મોટી છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘકૃપા છે. 154 તાલુકામાં વરસાદે વ્હાલ વરસાવ્યું છે, અમરેલી અને હીરમાં વરસાદનું સ્વરુપ રૌદ્ર રહ્યું છે. હજી રાજ્યના 8 જિલ્લામાં રેડ એલર્ટ એટલે કે અતિભારે વરસાદ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ- ભારે વરસાદની આગાહી છે. ઉનામાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે, 50 જેટલા પશુના કમોત થયાની આશંકા છે. ખેતરમાં પાણી ઘૂસી ગયાના અહેવાલ તો ઠેર ઠેરથી મળી રહ્યા છે. ધારી, બગસરામાં વરસાદ છે. સાવરકુંડલામાં સ્થિતિ ગંભીર છે. રાજુલા વિસ્તારમાં ભારે વરસાદને લીધે રાષ્ટ્રીય ધોરી માર્ગ બંધ થયો અને 20 ગામ સંપર્ક વિહોણા બન્યા છે.

બીજી તરફ શનિવારે રાત્રે રાજકોટ શહેરમાં પણ વરસાદ વરસ્યો હતો, અમદાવાદમાં શુક્ર-શનિવારે ભારે વરસાદ થયો હતો. સૌરાષ્ટ્રમાં હજી વરસાદી વાતાવરણ છે, બે દિવસની આગાહી વચ્ચે ખેડૂતો, ગ્રામજનો ચિંતામાં છે. સ્થાનિક ફાયર બ્રિગેડ, એનડીઆરએફ સહિતની ટુકડીઓ બચાવકાર્યમાં સતત લાગી છે. ક્યાંક મધરાતે કોઈ કાર ફસાય તો તેમાંથી લોકોનો બચાવ થયો છે, ભેરાઈ ગામ પાસે 50થી વધારે લોકો ફસાયાની ઘટના બની હતી. પોલીસથી લઈને અન્ય તમામ એજન્સીઓ ફરજ ઉપર છે. કન્ટ્રોલરુમ ધમધમી રહ્યા છે.

અત્યંત પડકારજનક સ્થિતિમાં પણ પ્રશાસન જ્યારે આવું કામ કરે છે ત્યારે લોકોએ પણ જરુર વગર બહાર ન નીકળીને, ઘર છોડવાં પડે તો છોડી, સલામત સ્થળે ખસીને પોતાના જીવ બચાવવા જોઈએ. જોખમી રસ્તા, પુલ ઉપરથી પાણી વહેતાં હોય તેમ છતાં વાહન ચલાવવા, નાહવા પડવું જેવી ચેષ્ટાઓ અકસ્માત માટે નિમિત્ત બની શકે. હજી તો વરસાદનો આ પ્રથમ તબક્કો છે તેવું માની શકાય. ચોમાસું હજી બાકી છે. સાવચેતી આવશ્યક છે. સૌરાષ્ટ્રમાં જળસંકટ નહીં રહે, કૃષિને પણ વાંધો નહીં આવે તે સધિયારો છે તો ક્યાંક આ ભારે વરસાદને લીધે નુકસાન પણ હશે તેની વચ્ચે ચોમાસું મંડાયું છે તેનો સૌને હરખ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફીફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ: નોર્વે સામે હારી બ્રાઝિલ બહાર નોર્વેના અર્લિંગ હાલેન્ડે બે અદ્ભુત ગોલ કરી બ્રાઝિલને હતપ્રભ કરી દીધું July 07, Tue, 2026