ભારતીય કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં સક્રિય 23 આતંકવાદીઓની યાદી જાહેર કરીને આઈએસઆઈ અને આ આતંકવાદીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ભારત આતંકવાદ પરત્વે ક્યારેય કૂણું વલણ દાખવવાનો નથી. ક્યાંય પણ, કોઈપણ ગતિવિધિ થાય તે અમારા ધ્યાન બહાર નથી તેવી ચેતવણી આ યાદી જાહેર કરીને આપી દેવાઈ છે. જે આતંકવાદીઓના નામ આ યાદીમાં છે તેમના કરતુતો પણ સદાય ભારત વિરોધી રહ્યા છે. ભારતમાં થયેલા આતંકી હુમલાઓ, લશ્કર, જૈશ સહિતના સંગઠનો સાથે આ આતંકીઓ જોડાયેલા રહ્યા છે. ઓપરેશન ‘િસંદૂર’ પછી પણ ભારતની નજરો આતંકવાદ પરથી હટી નથી તેનો આ બોલતો પુરાવો છે.
ગેરકાનૂની ગતિવિધિ અધિનિયમ એટલે કે, યુએપીએ અંતર્ગત 23 આતંકવાદીઓની સૂચિ જાહેર થઈ છે અને તે રીતે આ કાનૂન અંતર્ગત પ્રતિબંધિત આતંકવાદીઓની સંખ્યા 80 સુધી પહોંચી ગઈ છે. ભારતે ચુસ્ત ‘ગૃહકાર્ય’ કરીને આ આતંકવાદીઓના ઠેકાણા પણ જણાવ્યા છે. તેથી પાકિસ્તાન ઉપર તેની અસર પડવી તો જોઈએ. જો કે, આ લોકો સાથે અમારે કોઈ સંબંધ નથી તેઓ અહીંયા નથી તેવી બેશરમી બતાવતા પાકિસ્તાન અચકાવવાનું નથી. જો કે, પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરના લોકો પોતે જ કહી રહ્યા છે કાશ્મીરીઓના હાથમાં બંદૂક પાકિસ્તાને પકડાવી છે. 23 આતંકવાદીઓને પ્રતિબંધિત કરવા માટે ભારતે એવા સમયે માગણી કરી છે જ્યારે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સંધિ અને માનવતાના અંચળા હેઠળ સિંધુ જળસંધિ માટે દુનિયાને સંભળાય તેવો દેકારો કરી રહ્યો છે. ઓપરેશન ‘િસંદૂર’ વખતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, પાણી અને લોહી એકસાથે નહીં વહે. આ 23 આતંકવાદીઓ નામ જાહેર કરવાનો નિર્ણય પણ સ્પષ્ટ કરે છે કે, જો પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું રહેશે તો ભારત પાસેથી આવી આશા રાખી શકશે નહીં.
એ બહુ સ્પષ્ટ છે કે, સિંધુ જળસંધિ કે અન્ય કોઈ બાબતનો અમલ પાકિસ્તાન ઈચ્છતું હોય, પાણી તેને જોઈતું હોય તો ભારત માટે જોખમી બનેલા આતંકવાદીઓને પોષવાનું તેમણે બંધ કરવું જોઈએ. ભારત માટે કાયમ ખતરો બની રહેલા આતંકી માળખાને પાકિસ્તાન પ્રોત્સાહીત કરતું રહ્યું છે. પહેલગામમાં હુમલો થયો ત્યાં સુધી પાકિસ્તાનને એમ હતું કે, ભારત સામી તસ્કરી કાર્યવાહી પણ વધારે નહીં કરે પરંતુ ભારતીય સેનાએ આતંકવાદી થાણાઓને તો ભાંગી જ નાખ્યા સાથે સિંધુ જળ સ્થગિત કરીને પાકિસ્તાનના પગે પાણી લાવી દીધા. આ તમામ બાબતોને 23 આતંકવાદીઓની યાદીનો સંદેશ એટલો છે કે, ભારત કહે છે કે, અમે સાંખી લેશું નહીં.